Saturday 11 April 2020

અંબર ટોમ્બ: સમય અને સજીવને સાચવતી શબ પેટી



૧૯૯૩માં સ્ટીવન સ્પીલબર્ગની એક ક્લાસીક ફિલ્મ આવી હતી. જેનું નામ હતું 'ઝુરાસીક પાર્ક'. જેમાં રિચાર્ડ એટનબરો સ્ટાર હતો. કેટલાંકને યાદ હશે. (ફિલ્મ ઘણી જૂની છે કદાચ યાદ ન પણ હોય એની વે). એક વૈજ્ઞાાનિક પીળા રંગના અંબરમાં પુરાયેલા મચ્છરનાં શરીરમાંથી ડાયનાસૌરનું ઘશછ અલગ તારવે છે. તેને ઇંડામાં આરોપીત કરી. લુપ્ત થઇ ગયેલ ડાયનોસૌરની એક દુનિયા ઉભી કરે છે. માયકલ ફ્રીટનની નવલકથા પરથી ફિલ્મ બની હતી. એ સમયે રેકોર્ડ બ્રેક કમાણી પણ કરી હતી.

વાત ફિલ્મની નહીં પરંતુ વૈજ્ઞાાનિક હાથમાં પીળા રંગનો અંબરનો ટુકડો બતાવે છે. તે ખરા અર્થમાં એક અમુલ્ય ફોસીલ એટલે કે અશ્મી ગણાય. વર્ષ પહેલાંનાં કેટલાંક સજીવો આ રીતે અંબરમાં ટ્રેપ થઇ ગયા હતાં. જે છેવટે સજીવ માટે શબ પેટી બની જાય છે. પરંતુ વૈજ્ઞાાનિકો માટે આવા અશ્મી ઇતિહાસનો એક ટુકડો સાબીત થાય છે.

શા માટે અંબરમાં પુરાયેલા સજીવનાં -ફોસીલને યાદ કરવા પડયા છે. તાજેતરમાં અંબરનાં આવા અમુલ્ય બાર નમુનાઓની લીલામી થવાની છે અને વધારામાં પુરા આવા અમુલ્ય અંબરની તરોતાજા શોધ ૨૦૧૯નાં મે-જુન મહીનામાં થઇ છે. જે ખરેખર દુર્લભ નમુનો છે. એક નઝર અંબરની સફર.

અંબર ટોમ્બ: કેવી રીતે બને છે ?

સવાલ એ થાય કે અંબર જેવા પદાર્થમાં સજીવો સપડાતા કેવી રીતે હશે ? અંબર આખરે શું છે ? તેને કીંમતી પત્થર ગણાય કે નહીં ? તેનું ક્રિસ્ટલ તરીકે વર્ગીકરણ થઇ શકે ? અંબર એ શંકુ આકારનાં પાઈન જેવાં વૃક્ષોમાંથી વહેતો ખાસ પ્રકારનો 'રેઝીન' છે. છેવટે જામીને કડક બની જાય છે. જમીનમાં દફન થઇ તે અશ્મી સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ખડકનાં નમુનામાં ફેરવાઈ ગયું હોય છે.

વૃક્ષનાં થડ કે ડાળીમાં ઘા પડે ત્યારે ત્યાંથી સુક્ષ્મ જીવાણુઓ, ફુગ કે પરોપજીવી સુક્ષ્મ જીવો વનસ્પતિમાં ઘુસી ન જાય તે માટે વૃક્ષ ગુંદર જેવાં રેઝીનનો સ્ત્રાવ કરે છે. જે ઘા ને ભરી નાખે છે. એટલે ત્યાંથી બેક્ટેરીયા, ફુગ કે સુક્ષ્મ જીવાણુ પ્રવેશ કરી શક્તા નથી. શંકુ આકારનાં વૃક્ષોમાંથી ઝરતુ રેઝીન/ગુંદર સખત બની પથ્થર જેવું બંધારણ ધારણ કરી લે છે. ગુંદરનો રંગ અને ગંધથી આકર્ષાઈને જીવડાં રેઝીન/ગુંદર તરફ આવી જાય છે. જ્યાં તે ચોટી જાય છે.

વધારે રેઝીનનો સ્ત્રાવ થતાં જીવડા સંપુર્ણ રીતે ઢંકાઈ જાય છે. છેવટે સુકાઈ ગયેલ રેઝીનનો સ્ત્રાવ થતાં જીવડા સંપુર્ણ રીતે ઢંકાઈ જાય છે. છેવટે સુકાઈ ગયેલ રેઝીનનો ટુકડો ખરી પડીને જમીન પર પછડાય છે. જમીનમાં દટાઈ જતાં તે અશ્મી સ્વરૂપ ધારણ કરે છે. કેટલીકવાર જમીન પર મોટા સજીવો બેઠા હોય છે આરામ કરતાં હોય ત્યારે ઝાડ પરથી સતત ટપકતા રેઝીનમાં તેઓ ફસાઈ જાય છે. ટુંકમાં અંબરમાં નાના જીવોથી માંડી જીવડાં જેવા ટચુકડા સજીવો પણ કેદ થઇ જાય છે.

અંબરમાં સચવાયેલા આવા અશ્મી, પ્રાચીન કાળનાં સજીવો અને તેનાં પર્યાવરણને લગતી માહિતી પુરી પાડે છે. પ્રાણીશાસ્ત્રનાં અભ્યાસમાં આવા ફોસીલ અંબર ખુબ જ કિંમતી ગણાય છે. કેટલાંક પ્રાણીશાસ્ત્રી આવા ફોસીલને 'અંબર ટોમ્બ' એટલે કે અંબરની કબર કહે છે. લાખો વર્ષ પ્રાચીન ગરોળી, દેડકા, ગોકળગાય, જીવડાં, મચ્છર, પક્ષી વગેરેની 'અંબર ટોમ્બ' વૈજ્ઞાાનિકોને મળી આવી છે. જેણે પ્રાચીન સમય અને સજીવ બંનેને પોતાનામાં કેદ કરીને દફન કર્યા છે.

ફોસીલ: ભુતકાળ સાચવે છે

હાલમાં જ્વેલરી બનાવટમાં પણ અંબર વપરાય છે. જે કિમતી ગણાય છે. ખરા અર્થમાં અંબર એ ઝાડનું રેઝીન છે. જે સખત થઇને પથ્થર જેવું બની ગયું હોય છે. વૈજ્ઞાાનિકોને ૩૦ કરોડ વર્ષ જેટલાં પ્રાચીન અંબરનાં નમુના મળી આવ્યા છે. ભુતકાળમાં ઉત્તર મ્યાનમારનાં હુકાંગ વેલીમાંથી આવા અસંખ્ય નમુનાઓ મળી આવ્યા હતાં. ૨૦૧૭માં સંશોધકોને દસ કરોડ વર્ષ પ્રાચીન અંબર મળી આવ્યું છે જેમાં જે જીવડુ સચવાયેલું છે. તેનો આકાર સ્ટીવન બર્ગની ફિલ્મ E.T. માં આવતાં પરગ્રહવાસી જેવો છે. જેનો દેખાવ અને લક્ષણો એટલાં બેજોડ હતાં કે તેના માટે પ્રાણીશાસ્ત્રીઓએ એક નવા વર્ગ બનાવી તેમાં આ સજીવને સામેલ કરવું પડયું હતું.

આ જીવડાનું માથુ ત્રિકોણ આકારનું અને તેમાં બહાર ઉપસી આવે તેવી બે આંખો દેખાય છે. અત્યાર સુધી જોવા મળેલ જીવડાની બધી જ જાતોમાં આ જીવડું સૌથી અલગ પડે છે. ખાસ પ્રકારનાં માથાની અને આંખની રચનાનાં કારણે જીવડું ૧૮૦ં સુધી જોઇ શકતું હતું. તેની બેજોડતાનાં કારણે સજીવોની વર્ગીકરણની પધ્ધતિમાં ''એથીઓકારેનોડીઆ'' નામનાં નવા ઓડરની શરૂઆત કરવી પડે છે.

આ ઉપરાંત ઈંડામાંથી બહાર આવેલ પક્ષીના બચ્ચાનાં અંબરમાં સચવાયેલ ફોસીલ મળી આવ્યાં છે. જેનું માથુ, ડોક, પુછડી અને પગ સ્પષ્ટ દેખાઇ આવે છે. આ નમુનો દસ કરોડ વર્ષ પ્રાચીન છે. એટલે કે ફોસીલમાં રહેલ પક્ષી ડાયનોસૌરના જમાનાનું છે. વૈજ્ઞાાનિકોએ નમુનામાં રહેલ પક્ષીને અંબર છાટ વાળું ઓરીએન્ટલ સ્કાયલાર્ક નામ આપ્યું છે. આજના આધુનિક પક્ષીઓનું તે પુર્વજ ગણાય પરંતુ, ૬.૬૦ કરોડ વર્ષ પહેલાં ડાયનોસૌરની સાથે સાથે આ વિવિધતા ધરાવતા પક્ષીઓની પ્રજાતી પણ નામશેષ થઇ ગઇ હતી.

ડાયનોસૌરનું લોહી ચુસનારા પરોપજીવી ''ચાંચડ''ની એક પ્રજાતી પણ અંબરમાં કેદ થયેલી મળી આવી છે. આશરે દસ કરોડ વર્ષ પ્રાચીન નમુનો એ વાતને પુરવાર કરે છે કે ડાયનોસૌર કાળમાં પણ લોહી ચુસી તેવા પરોપજીવી જીવો અસ્તીત્વમાં હતાં. વધારે આશ્ચર્યજનક નમુના વિશેનો લેખ નેચર મેગેજીનમાં ૧૩ મે ૨૦૧૯નાં રોજ છપાયો હતો. જે વિજ્ઞાાન જગત માટે ખુબ જ મહત્વપૂર્ણ અને દુર્લભ હકીકતો ધરાવતો છે.

દુર્લભ નમૂના: હવે નિલામી થશે...

ડાયનાસૌરનાં જમાનાનાં અંબરનાં ફોસીલ વૈજ્ઞાાનિકોનાં કલેકશનમાં છે. જેમાંથી બાર અર્ધ પારદર્શક અશ્મી નમુના વેચાણ માટે મુકવામાં આવ્યા છે. આમેય ફોસીલ વિજ્ઞાાન જગત માટે ખુબ જ દુર્લભ અને કિમતી ગણાય છે, ત્યાં કુદરતી રેઝીનમાં કેદ થઇ ગયેલાં જીવ સંપૂર્ણ શરીરચનાને આબાદ રીતે સાચવી રાખે છે. તે પણ માત્ર વર્ષો સુધી નહીં, કરોડો વર્ષ સુધી. બારમાંથી પાંચ આંતર ફોસીલમાં જીવડાં ખુબ જ સુંદર રીતે સચવાયેલાં છે. જેમાં પાંખવાળું જીવડું, મીલીપેડ (કાનખજુરો) બે કરોળીયાની જાત અને વંદાનાં અશ્મી છે.

બ્રિટનમાં એડવાન્સ અંબર ફિટાસીયસ ઝુલોજીઆ નામની વિજ્ઞાાન સંસ્થા છે. જેમણે આશ્ચર્યજનક અંબર ફોસીલનું એક મોટું કલેકશન ભેગુ કરેલ છે. આ અશ્મીઓ પર સંશોધન કરવા અને નવા અંબરનાં ફોસીલ મેળવવા માટે વિજ્ઞાાન સંસ્થા આશાવાદી છે. પોતાની જરૂરીયાત પુરી કરવા અને વધારે ભંડોળ ભેગુ કરવા માટે આ અંબર ફિટાસીયસ ઝુલોજીઆ સંસ્થા બાર જેટલાં દુર્લભ અને અમુલ્ય અશ્મીઓનું લીલામ કરી ભંડોળ એકઠુ કરવા તૈયાર થઇ છે.એક નમુનાનું નામ છે. ''રિઅલ ડ્રેગન બ્લડ અંબર''. જે પારદર્શક છે અને સોનેરી રંગનો ટુકડો છે. ફિયસીયસ કાળનો આ ટુકડો દોઢ લાખ પાઉન્ડ સુધી વેચાશે એવી ધારણા બાંધવામાં આવી છે. બીજા નમુનામાં એક લાંબી ડોકવાળું જીવડું છે. જેના કાન, ખોપરી અને પંજા સુંદર રીતે જળવાયેલાં દેખાય છે. આ નમુનો  ૧.૨૦ લાખ પાઉન્ડમાં વેચાશે એવું લાગે છે.

રેહાસૌરનું માથુ પણ અંબરમાં જળવાયેલું મળી આવ્યું છે. જે નમુનાનાં ૧.૨૦ લાખ ઉપજે તેમ છે. આ બધા નમુના વેસ્ટ સસેક્સનાં સમર પ્લેસ ઓકશન ઓફ બીલીંગ ગર્સ્ટમાં નિલામી માટે મૂકવામાં આવ્યાં છે. ઓકશનમાં મૂકવામાં આવેલા બધા જ નમુના મ્યાનમાર (બર્મા)ની હુકાંગ વેલીમાંથી મેળવવામાં આવ્યા છે. મ્યાનમારમાં ચાલી રહેલી નાગરીક આંદોલનનાં કેટલાંક દાયકા પહેલાં આ નમુના વૈજ્ઞાાનિકોએ સપાટીથી ૬૦ મીટર જેટલું ખોદકામ કર્યા બાદ મેળવ્યા હતાં.

દરિયાઇ જીવોનાં દુર્લભ અશ્મીઓ....

દક્ષિણ એશિયાનાં મ્યાનમારમાંથી દુર્લભ કહેવાય તેવાં અંબર ફોસીલ મળી આવ્યા છે. જે દસ કરોડ વર્ષ પ્રાચીન જીવસૃષ્ટીનું દર્શન કરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અંબરમાં પુરાએલા દેડકા, ગોકળગાય, સાપ, વિચિત્ર પીછાં અને કેટલાંક વિચિત્ર પ્રકારનાં જીવડાંનાં નમુના મળી આવ્યા હતાં. આ બધા પાસે સમાનતા એ હતી કે આ બધા સજીવો ભુમી પર વસનારાં જીવ હતાં.

આશ્ચર્યજનક વાત એ છે કે ભુમી પર વસનારા સજીવોની સાથે સાથે દરિયામાં વસનારાં જીવો પણ અંબરમાં કેદ થઇ ગયેલા જોવા મળ્યા છે. આવા દુર્લભ નમુનાઓ વૈજ્ઞાાનિકોએ શોધી કાઢ્યાં છે. સમુદ્રમાં સજીવો વૃક્ષનાં રેઝીનમાં કઇ રીતે સપડાઇ ગયા હશે. એ વાત વૈજ્ઞાાનિકો માટે પણ રહસ્યમય કોયડો બની ગઇ છે. એવું માનવામાં આવે છે કે દરિયાની વિશાળ ભરતી અથવા ઓટનાં સમયે સમુદ્રનાં જીવો બીચની રેતી પર તણાઇ આવ્યા હશે. જે છેવટે અંબરમાં કેદ થઇને ફોસીલ બની ગયા હશે.

સંશોધન પત્રમાં વૈજ્ઞાાનિકો લખે છે કે જળચર પ્રાણીને અંબરમાં કેદ થવાની ઘટના ખુબ જ દુર્લભ ગણાય. આટલું જ નહીં અતિ સુક્ષ્મ માઇક્રો ઓર્ગેનિઝમ પણ અંબરમાં કેદ થયા છે જે જળ / પાણીમાં જ જોવા મળે છે. આ નમુનો એટલો રહસ્યમય છે કે તેની ઉંમર નિર્ધારણ કરવામાં પણ વૈજ્ઞાાનિકોને વિવિધ સમસ્યાઓ નડે છે.

જ્યાંથી આ નમુના મલ્યા છે. તેની આજુબાજુ જ્વાળામુખી ખડકો આવેલા છે. તેમાં રહેલ ઝીરકોનનું યુરેનિયમ આધારીત સમય નિર્ધારણ પ્રક્રીયા કરતાં નમુનાઓ ૯.૮૮ કરોડ પ્રાચીન માલુમ પડે છે. જ્યારે ફોસીલમાં રહેલ એમોનાઇટનું પૃથ્થકરણ કરવામાં આવે તો તે ૧૦ થી ૧૧.૩૦ કરોડ પ્રાચીન હોવાનું માલુમ પડે છે.

વૈજ્ઞાાનિકો માને છે કે જે જમીનનાં બેડ પરથી નમુના મળ્યા છે. તે બેડ કરતાં પણ નમુના વધારે પ્રાચીન હોવાની સંભાવના છે. જ્યાંથી નમુના મળ્યા છે તેની નજીકમાં પ્રાચીન કાળમાં દરિયો હોવો જોઇએ. કદાચ સુનામી જેવી ઘટનાનાં કારણે પણ દરિયાઇ સજીવો ભુમી પર આવીને અંબરમાં દફન થઇ ગયા હશે.

No comments: