Thursday 30 April 2020

મનુષ્યની આંખ: જેમાં વસે છે અનોખી દુનિયા


''યે આંખે દેખકર હમ સારી દુનિયા ભુલ જાતે હૈ !'

કદાચ તમને ખ્યાલ હશે કે મનુષ્યનાં આંતરડા, ચામડી, મુત્રમાર્ગ, યોનીમાર્ગ વગેરે સ્થાન, સુક્ષ્મ જીવાણુઓનું આશ્રય સ્થાન ગણાય છે. શરીરના આ ભાગની તંદુરસ્તી માટે સુક્ષ્મ જીવાણુઓ આવશ્યક પણ છે. જો તમને એમ કહેવામાં આવે કે તમારી આંખ પણ વિવિધ ફુગ, બેકટેરીયા, અને વાયરસ પણ વસવાટ કરતાં હોય છે તો તમને અવશ્ય આશ્ચર્ય થશે જ. શરીરમાં જે પર્યાવરણમાં સુક્ષ્મ જીવાણુઓ વસવાટ કરતાં હોય છે એ સમગ્ર પર્યાવરણને ''માઈકોબાયોમ'' કહે છે.
જો માઈક્રોબ્સનું સંતુલન બગડે તો, શરીરનાં વિવિધ ભાગને 'રોગ' થાય છે. કોન્ટેક્ટ લેન્સની શોધ પછી આંખનાં ઈન્ફેકશન/સંક્રમણમાં વધારો થયેલ જોવા મળે છે. હિન્દી ગીતની કેટલીક પંક્તિઓ છે - ''યે યે આંખે દેખકર હમ સારી દુનિયા ભુલ જાતે હૈ !'' ગીતકારને ગીત લખતી વખતે કલ્પના પણ નહીં હોય કે આ 'આંખો'માં સુક્ષ્મ સજીવોની એક અનોખી દુનિયા વસે છે. જેને વૈજ્ઞાાનિકો, 'બેશક' ક્યારેય ભુલી શકે તેમ નથી.

આંખ: અનોખી દાસ્તાન

આંખને આત્માની બારી તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યક્તિ સાથે લાગણીમય જોડાણની તક 'આંખ' આપે છે. ભૌતિક દુનિયાનાં ૩D દર્શન માટે 'આંખ' હોવી એ પ્રથમ આવશ્યકતા છે. મનુષ્યને ઉત્ક્રાંન્તિ દરમ્યાન 'આંખ' જેવું અંગ મળ્યું છે, છતાં ઉત્ક્રાંન્તિનાં સિદ્ધાંતને સમજવામાં ''આંખ'' અવરોધ પેદા કરે છે. વૈજ્ઞાાનિકો કહે છે કે આંખ જેવી જટીલ રચના, ઉત્ક્રાંન્તિની પ્રક્રિયામાં કઈ રીતે પેદા થઈ એ સમજવું ખૂબ જ અઘરૂં કામ છે.

જો આપણે પ્રાણીજગતમાં વસનાર પ્રાણીઓનો આંખની લાક્ષણિકતાઓ જાણીશું તો, લાગશે કે વિવિધ પ્રાણીઓની આંખ, કાર્યશૈલીમાં મનુષ્યની આંખને પાછળ મુકી દે તેવી હોય છે. મનુષ્યની આંખ ૧૮૦ ડીગ્રીનો વ્યુ મેળવી શકે છે. જેની સામે ડ્રેગન ફલાયની આંખો ૩૬૦ ડીગ્રી વાળો વ્યુ અને વિઝન મેળવી શકે છે. તેની આંખોમાં ષષ્ટકોણાકાર નાની નાની આંખોનો સમુહ ગોઠવાયેલો હોય છે.
શાર્ક માછલી અને મનુષ્યની આંખની કીકી મળતી આવે છે. જેનાં કારણે 'કોર્નીયા' ટ્રાન્સપ્લાંન્ટ માટે શાર્ક માછલીની કીકી, તબીબો વાપરે છે. ગીની પીંગ નામનું પ્રાણી ખુલ્લી આંખે જ જન્મ લે છે. ધુ્રવ પ્રદેશમાં રહેનારા રીંછની આંખો અલ્ટ્રાવાયોલેટ કિરણોને ફિલ્ટર કરે તેવી હોય છે. સાપની આંખો જોવા ઉપરાંત, ગરમીનું પ્રમાણ અને વિવિધ પ્રકારનું હલનચલન પકડી પાડે છે. પક્ષીઓમાં માત્ર ઘુવડ પક્ષી જ વાદળી રંગને નિહાળવાની ક્ષમતા ધરાવે છે. બકરીની આંખની કીકી લંબચોરસ હોય છે જે તેને સિનેમાસ્કોપ જેવું વિશાળ દ્રશ્ય પેદા કરી આપે છે.
અંધારામાં જોઈ શકે તેવી આંખો ધરાવનાર ચીબરી અને ઘુવડ તેની કીકીઓને ફેરવી શકતા નથી. આ કારણે તેઓ વારંવાર ડોક ચારે બાજુ ફેરવતા રહે છે. શાહમૃગની આંખ તેનાં મગજ કરતાં પણ વધારે વિશાળ હોય છે. પૃથ્વી પર વસનાર બધા સજીવો કરતાં કબુતરની આંખ વધારે સારૂ 'વિઝન' ધરાવે છે. તે લાખો કલર વચ્ચેનો ભેદ પારખી શકે છે. મનુષ્યનાં દ્રષ્ટિપટલનાં એક મીલીમીટર વિસ્તારમાં બે લાખ પ્રકાશ સંવેદનશીલ કોષો હોય છે. જ્યારે બાજ પક્ષીની આંખમાં એક ચોરસ મીલીમીટર વિસ્તારમાં દસ લાખ પ્રકાસ સંવેદનશીલ કોષો હોય છે. પરંતુ મનુષ્યની આંખોમાં આનાથી વધારે સુક્ષ્મ જીવાણુઓ જીવતા હોય છે.

કોર બાયોમ: બેકટેરીયા જરૂરી છે

જ્યારે વૈજ્ઞાાનિકો 'માઈક્રો-બાયોમ'ની ચર્ચા કરતાં હોય છે ત્યારે મોટાભાગે તેમનું ફોક્સ ચામડી, ફેફસા, યોની, આંતરડા જેવા ભાગ મુખ્ય હોય છે. હવે સાયનીસ્ટ પદ્ધતિસર 'આંખ'નો માઈક્રો બાયોમ પણ ચકાસવા લાગ્યા છે. છેલ્લાં દસ વર્ષમાં આ ક્ષેત્રમાં ખૂબ જ સંશોધનો થઈ રહ્યાં છે.

બેએક દાયકા પહેલાં 'આંખની તંદુરસ્તીનો સંબંધ માઈક્રો-બાયોમ સાથે છે.' એ વિદ્યાન વિવાદાસ્પદ ગણાતું હતું. હવે એ વાદ-વિવાદનાં સ્થાને સર્વ સ્વીકૃત હકીકત બની ચૂક્યું છે. અભ્યાસ દર્શાવે છે કે હવા, હાથ, આંખની પાપણો અને આંખ અને પોપચા વચ્ચેની જગ્યામાં વિવિધ પ્રકારનાં બેકટેરીયા રહેતા હોય છે. આંખોને સ્વચ્છ રાખવા માટે આંખોમાં પ્રવાહી/પાણી નિકળે છે. આંસુ નિકળે ત્યારે અથવા આંખોને ધોઈએ છીએ ત્યારે બેકટેરીયા પણ ધોવાઈ જાય છે અથવા નાશ પામે છે.

વૈજ્ઞાાનિકોએ શોધી કાઢ્યું છે કે ચાર પ્રકારનાં બેક્ટેરીયા આંખ માટે ખૂબ જ જરૂરી છે. જેમાં સ્ટેફાયલોકોકી, વિથેરીઓઈડ, પ્રોપિયોની બેક્ટેરીયા અને સ્ટેપયેકોકીનો સમાવેશ થાય છે. આ બેકટેરીયાનો 'બાયોમ' વૈજ્ઞાાનિકો ''કોર'' બાયોમ તરીકે ઓળખે છે. આ ઉપરાંત ટોર્ક ટેનો વાયરસ કેટલાંક આંખોનાં રોગ માટે જવાબદાર છે. તેનો પણ 'કોર' માઈક્રો બાયોમમાં સમાવેશ થાય છે.

તંદુરસ્ત વ્યક્તિમાંથી ૬૫ ટકા લોકોની આંખમાં આ 'કોર' બાયોમ હાજર જ હોય છે. દુનિયાભરમાં વસનાર વિવિધ ભૌગોલિક સ્થાન મુજબ, આંખોનો માઈક્રો-બાયોમ બદલાતો રહે છે. ભૌગોલિક સ્થાન, વિવિધ વંશનાં લોકો, વ્યક્તિની ઉમર પ્રમાણે માઈક્રો બાયોમમાં ફેરફાર જોવા મળે છે.

વૈજ્ઞાાનિકો કહે છે કે તબીબો જ્યારે આંખનાં સંક્રમણ માટે વિવિધ એન્ટી-બાયોટેક દવાઓની ભલામણ દર્દીને કરે છે ત્યારે ખાસ વિચારવું જોઈએ. ચોમાસા અને ભેજવાળાં વાતાવરણમાં થતો ચેપી રોગ 'કન્જકટીવાઈટીસ' એટલે કે આંખો આવવાની બિમારીનું મુખ્ય કારણ 'વાયરસ' હોય છે અને વાઈરસ ઈન્ફેકશન સામે એન્ટી-બાયોટીક દવાઓ બેઅસર સાબીત થાય છે.

આવા કિસ્સામાં એન્ટી-બાયોટીક દવાઓ દર્દીને લેવાની ભલામણ કરવી એ નિર્થક બાબત છે. બેકેટરીઆનાં સક્રમણ સામે પણ એન્ટી-બાયોટીકની ભલામણ કરવી જોઈએ નહીં કારણ કે ૭-૧૦ દિવસમાં આંખોને લાગેલ બેકેટરીયાનો ચેપ, શરીરની રોગ પ્રતિકારક પ્રણાલી આપમેળે ઠીક કરી આપે છે.

ઈન્ફેકશન: જેને ધોઇ નાખે છે ''આંસુ''

આંખોમાં સુક્ષ્મ જીવાણુઓ વસવાટ કરે છે. પરંતુ ચામડી પર વસવાટ કરનાર સુક્ષ્મ જીવાણુઓ કરતાં આંખોમાં રહેનાર જીવાણુની સંખ્યા સો ગણી ઓછી હોય છે. આંખોમાંથી જે આંસુ નિકળે છે તેમાં ખાસ પ્રકારનાં એન્જાઇમ્સ / ઉત્સેચકો હોય છે. જે બેકટેરીયાની સંખ્યા વધતી રોકે છે. આંખોમાં રહેલ બેકટેરીયાનો સફાયો બોલાવવા આંખમાં આવતાં 'આંસુ' ખુબ જ મહત્વનાં છે.

આંસુમાં રહેલ એન્જાઇમ્સ બેકટેરીયાની કોષ દિવાલ તોડી નાખે છે. જેનાં કારણ તેઓ પોતાનાં જેવા બીજા બેકટેરીયા પેદા કરી શકતા નથી. બેકટેરીયાની સંખ્યાનું સંતુલન બગડે ત્યારે 'ડ્રાય આઇ' સુકાઇ નથી. એન્ડો ઓપ્થલ મીટીસ, જોગ્રેન સિન્ડ્રોમ, કોર્નીઅલ સ્કેરીંગ જેવાં રોગ થાય છે. વૈજ્ઞાાનિકોને આશા છે કે આવા રોગોનાં નિયંત્રણ માટે જીનેટીકલી મોડીફાઇડ બેકટેરીયા વાપરવામાં આવશે, જે આંખોનાં વિવિધ રોગોની સારવાર માટે ખાસ તબીબી પધ્ધતિનો વિકાસ કરવા માટે ઉપયોગી બનશે.

આંખોનાં કૉર માઇક્રોબાયોમ ઉપરાંત કેટલાંક નાના નાના સુક્ષ્મ જીવાણુઓની હાજરી પણ આંખોમાં જોવા મળી છે. જેમનાં નામ છે.. ક્લેમીડીયા ટ્રેફોમેટીસ, ક્લેમાઇડોફીલા ન્યુમોનીઆ, હેમોફીલસ એજીપ્ટીયસ હેમોફેલસ ઈન્ફ્લુએન્જા, મોરેક્ષેલા, નેઇસીરીયા, આંખોને હંમેશા ભીની રાખવા માટે, આંખોને સ્વચ્છ રાખવા માટે જે અલ્પ માત્રામાં પ્રવાહી આંખમાં ઝરે છે. તેમાં લાઇસોઝોમની હાજરી હોય છે. લાઇસોઝોમની હાજરીનાં કારણે બેકટેરીયાની સંખ્યા વૃધ્ધિ અટકી જાય છે.

લાઇસોઝોમની હાજરીમાં બેકટેરીયા માટે પોતાનાં જેવાં સુક્ષ્મ જીવોને જન્મ આપવા કોષ વિભાજન પ્રક્રીયા કરવી મુશ્કેલ બની જાય છે. નવજાત શીશુની રોગ પ્રતિરક્ષા પ્રણાલી ખૂબ જ નબળી હોય છે. તેમની આંખોને ઝડપથી રોગ લાગે તેવી શક્યતા હોય છે. પરંતુ તેઓ રડે છે અને આંસુ બહાર આવે છે. જેનાં કારણે બેકટેરીયા ધોવાઇ જાય છે. આંસુમાં રહેલ એન્જાઇમ્સ અને લાઇસોઝોસ, બાળકોની આંખોને રોગ લાગવાથી  બચાવે છે.

જીનેટીકલી મોડીફાઇડ બેકટેરીયા: આવતીકાલની સારવારમાં વપરાશે

શું બેકટેરીયાની હાજરી, અન્ય નુકસાનકારી બેકટેરીયાને કાબુમાં રાખી શકે ? આ સવાલનો જવાબ મેળવવા વૈજ્ઞાાનિકો નવા સંશોધનો કરી રહ્યાં છે. એક વાર વૈજ્ઞાાનિકો સમજી લે કે બેકટેરીયા અન્ય બેકટેરીયાનાં ચેપને કઇ રીતે અટકાવે છે ? આ સવાલનાં જવાબમાં વૈજ્ઞાાનિકો, બેકટેરીયાનાં જેનો મને મોડીફાઇડ કરી શકે તેમ છે.

મોડીફાઇડ જેનોમવાળા બેકટેરીયા, આંખની વિવિધ સારવાર માટે ઉપયોગી બની શકે તેમ છે. ૨૦૧૬માં રચેલ કાસ્પી અને ટોની બેગરે જોયું કે ''આંખોમાં રક્ષાત્મક ભુમિકા ભજવે તેવાં બેકટેરીયા પણ વસવાટ કરે છે. કોર્નીબેકટ્રીયસ માસ્ટીટીડીસ નામનાં બેકટેરીયા રોગપ્રતિકાત્મક કોષોને સચેત કરે છે. જેનાં કારણ આ કોષો એન્ટી માઇક્રોબીયસ કારકોને તે મુક્ત કરે છે. ઉંદર ઉપર કરવામાં આવેલ પ્રયોગો એ તેમનાં સંશોધનને સાચા ઠેરવ્યા છે.

ઉંદરમાં અંધાપો લાવે તેવા બે બેકટેરીયાની હાજરી તેમની આંખોમાં જોવા મળી છે. જે કેન્ડીડા એલ્બીકન્સ અને સ્પુડો મોનાસ એરીજીનોસા નામે ઓળખાય છે. તેમની સામે પ્રોટેક્ટીવ ઈમ્યુન રિસ્પોન્સ એટલે કે રક્ષાત્મક રોગ પ્રતિરક્ષા સહયોગ વિકસાવવા માટે બેકટેરીયાનો ઉપયોગ થઇ શકે છે.

'ડ્રાય આઇ' જેવી આંખની વ્યાધી માટે સી. માસ્ટ બેકટેરીયાનો ઉપયોગ કરી શકાય તેમ છે કારણ કે તે આંખની રોગપ્રતિરક્ષા પ્રણાલી માટે કામ કરતાં કોષોને એક્ટીવેટ કરે છે જેનાં કારણ આંસુગ્રંથીમાંથી પ્રવાહી નિકળે છે. જે આંખોને સુકાઇ જતી બચાવે છે. અમેરીકામાં દર વર્ષે 'ડ્રાય આઇ'નાં ચાલીસ લાખ દર્દી, સારવાર માટે દવાખાને જાય છે. ભવિષ્યમાં વૈજ્ઞાાનિકો રોગ સામે કામ લાગે તેવા 'ડ્રગ્સ' પેદા કરી શકે તેવા જીનેટીકલી મોડીફાઇડ બેકટેરીયાનું પ્રયોગશાળામાં સર્જન કરવા માંગે છે.

No comments: