Tuesday 28 April 2020

આટાકામા એલીયન : ''સીરીયસ'' ફિલ્મથી લેબ સુધીની સફર ચીલીનો રણપ્રદેશમાંથી મળી આવેલ ''છ'' ઈંચનો હાડપીંજરનું રહસ્ય હવે વૈજ્ઞાનિકો ઉકેલે છે



આજથી ૧૫ વર્ષ પહેલાં એક અફવાએ જન્મ લીધો હતો. વાયકા પ્રમાણે ચીલીનાં આટાકામા રણમાંથી પરગ્રહવાસીનું મમી મળી આવ્યું હતું. કહેવાય છે કે ધુમાડો દેખાય ત્યાં આગ હોવાની શક્યતા રહેલી હોય છે. ચીલીનાં ખંડેર થઈ ગયેલા એક ગામ, લાનોરીયામાં ઓસ્કાર મુનોઝ નામનો શોખીન પ્રાચીન વસ્તુની શોધમાં ખાંખાખોળા કરી રહ્યો હતો. એક ઘરની છાજલી પર તેને ચામડાનું એક પાઉચ મળી આવ્યું. ખોલીને જોયું તો અંદર સફેદ કપડાંમાં લપેટેલ એક 'મીની' હાંડપીંજર હતું. સૌથી મોટી ખાસીયત એ હતી કે મનુષ્ય જેવું લાગતું હાડપીંજર માત્ર છ ઈંચ એટલે કે ચશ્માની ફ્રેમ જેવડું હતું. ભારતીય ચલણની ૧૦૦ રૃા. ની નોટ પર તેને ગોઠવી શકાય તેટલું તે નાનું હતું. હાંડપીંજર પુરૃષનું હતું પરંતુ વિચિત્ર હતું. તેની ખોપરી શંકુ આકારની લાંબી હતી. આંખ માટેનાં ખોપરીનાં ખાડાં ખૂબ જ વિશાળ હતાં. સામાન્ય માણસની છાતીમાં ૧૨ પાંસળીઓ હોય છે. જ્યારે આ હાંડપીંજરમાં માત્ર દસ પાંસળીઓ હતી. દેખાવમાં તે સાયન્સ ફિકશન ફિલ્મનો ''એલીયન્સ'' એટલે કે પરગ્રહવાસી જેવું લાગતું હતું. 

શું તે ખરેખર ''એલીયન્સ''નું મમી હતું ? વિજ્ઞાને દોઢ દાયકા જુની રહસ્યકથા પરથી પડદો ઉંચક્યો છે !

સાયન્સ ફિકશન અને રિયાલીટીનો અનોખો સંગમ એટલે ''આથ'' ૧૯૬૧માં ''ધ ટ્વીલાઇટ ઝોન'' નામની સાયન્સ ફિકશન સીરીઝ સીબીએસ દ્વારા અમેરિકામાં રજુ થઈ હતી. તેના એક હપ્તાનું નામ હતું ''ધ ઈનવેડર.'' હપ્તાની વાર્તા પ્રમાણે, એક મહિલાની કેબીન પર અચાનક એક વેંતીયા જેવા હયુમનોઈડ ઘુસણખોરી કરે છે. મહીલાને જોઈને તેની પર, તેની પાસે રહેલી ટચુકડી ગનથી ફાયરીંગ કરે છે. મહીલા ભાગતાં વેંતીયાનો પીછો કરે છે. વેંતીયો મીનીએચર સ્પેસશીપમાં ઘુસી જાય છે ત્યારે, મહીલાં 'એલીયન' વેંતીયા અને સ્પેસશીપ બંનેનો નાશ કરે છે. હપ્તો પુરો થતાં દર્શકો સામે મીનીએચર સ્પેસશીપનો ભંગાર નજરે ચડે છે. તેનાં લેબલ પર લખ્યું હોય છે. ''યુ.એસ. એરફોર્સ સ્પેસ પ્રોબ-વન.'' મતલબ કે હયુમનોઈ પરગ્રહવાસી નહીં પરંતુ 'નાસા'એ પેદા કરેલ પૃથ્વીવાસી ''વેંતીયો'' મનુષ્ય હતો. આ વાર્તાનો સારાંશ, આજથી પંદર વર્ષ પહેલાં પેદા થયેલ ''આટાકામા ડેર્ઝટ એલીયન''ને પણ પુરેપુરી લાગુ પડે છે.

'એલીયનસ્કેલેટન:પરગ્રહવાસી તરીકે રજુ કરવામાં આવ્યું હતું

ચીલીનાં લા નોરીયા ગામમાંથી મળેલ ૬ ઈંચનાં કહેવાતા 'એલીયન' સ્કેલેટનને પરગ્રહવાસી તરીકે વધારે ચગાવવામાં ''સીરીયસ'' નામની ફિલ્મનો પણ મોટો હાથ છે. ૨૦૧૩માં બનેલી આ ફિલ્મમાં આટાકામા સ્કેલેટનને પરગ્રહવાસી તરીકે રજુ કરવામાં આવ્યું હતું. ચીલીનાં આટાકામા રણપ્રદેશનાં લા નોરીયા ગામમાંથી મળેલ હાંડપીંજરનું નામ ''આટા'' રાખવામાં આવ્યું છે. જે આટાકામાનું ટૂંકું સ્વરૃપ છે. તાજેતરમાં 'આટા' નામે ઓળખાતાં 'એલીયન' સ્કેલેટનનો ભેદ વૈજ્ઞાનિકોએ ખોલી નાખ્યો છે. આ હાંડપીંજર પર થયેલ વૈજ્ઞાનિક સંશોધનને ૨૨ માર્ચનાં ''જેનોમ રિસર્ચ'' જર્નલમાં પ્રકાશીત કરવામાં આવ્યું છે. જેમાં ''આટા'' પરગ્રહવાસી નહીં પરંતુ, એક પૃથ્વીવાસી 'કન્યા' હોવાનું જણાવવામાં આવ્યું છે. ''સીરીયસ'' ફિલ્મ પાછળ એલીયન કોન્સીપીરસી થિયરી દર્શાવવા માટે સ્ટીફન ગ્રીર જવાબદાર છે. ગેરી નોલાન નામનાં વૈજ્ઞાાનિકે કરેલ સંશોધન વિશે વાત કરતાં સ્ટીફન ગ્રીર, નેશનલ જ્યોગ્રાફી ચેતલને કહે છે કે ''અમે એ નથી જાણતાં કે ''આટા'' કોણ છે. પણ એક વાત તો નક્કી છે કે ''આટા'' કુરૃપ, કદરૃપો અને વેંતીયો મનુષ્ય તો નથી જ ?'' તો આખરે ''આટા'' એલીયન કોણ છે ? વૈજ્ઞાનિકો પણ તેની પુરી ઓળખ મેળવી શક્યા નથી પરંતુ, 'આટા' પરગ્રહવાસી નથી એ વાત બધા જ વૈજ્ઞાનિકો લગભગ સ્વીકારી ચુક્યા છે. ત્યારે ''આટા''નું રહસ્ય ખોલવું હોય તો માંડીને વાત કરવી પડે. આખરે કેસ, સાયન્ટીસ્ટોએ સંભાળી લીધો....
ચીલીનાં આટાકામા ડેઝર્ટ પાસે આવેલા લા નોરીઆ નામનાં ઉજ્જડ ગામનો, ઉજ્જડ ચર્ચ પાછળ એક મકાન આવેલું હતું. મકાનની શોધખોળ કરતાં, ઓસ્કાર મુનોઝને ચામડાનાં પાઉચમાં રાખેલું ૬ ઈંચ એટલે કે માત્ર ૧૫ સે.મી. લાંબું હાંડપીંજર મળ્યું હતું. પ્રાથમીક શાળાનાં વિદ્યાર્થી જે કંપાસ બોક્ષ રાખે છે, તેની ફુટપટ્ટી એટલે કે રૃલર પણ માત્ર ૬ ઈંચની હોય છે. જેના પરથી હાંડપીંજરના કદની કલ્પના તમે કરી શકો છો. આ હાંડપીંજર, તેણે પ્રાચીન કલાકૃતિઓનો સંગ્રહ કરનાર, સ્પેનનાં વેપારી રેમોન નાવીઆ ઓસોરીઓને વેચ્યું હતું. ૬ ઈંચનું હાંડપીંજર મળવાનાં સમાચારે વિશ્વમાં લોકોને આશચ્રયચકિત કરી નાંખ્યા હતા. તેનાં વિચિત્ર દેખાવનાં કારણે એલીયન/પરગ્રહવાસી અને UFOમાં માનનારાં લોકોએ, તેને પરગ્રહવાસીનાં સીધા પુરાવા તરીકે વિશ્વમાં રજુ કર્યું. આગમાં ઘી હોમવાનું કામ ''સીરીયસ' નામની ફિલ્મે કર્યું જે ૨૦૧૩માં રજુ થઈ હતી. 'આટા' નામે ઓળખાતાં મમીનાં સમાચાર, સ્ટેનફોર્ડ યુનીવર્સીટીનાં ઈમ્યુનોલોજીસ્ટ ગેરી પી. નોલાનને મળ્યો હતો. તેને સમાચાર આપનાર મિત્રે એમ પણ જણાવ્યું હતું કે 'સીરીયસ' નામે ફિલ્મ બને છે. જેમાં આ 'આટા' હાંડપીંજરને એલીયન તરીકે દર્શાવવામાં આવનાર છે. ગેરી નોલાન તેને એલીયન માનતા ન'હતો. તેઓને UFOમાં પણ બહુ વિશ્વાસ હતો નહીં. આમ છતાં તેણે મિત્રને કહ્યું કે ''જો 'આટા'નાં સ્પેસીમેના નમુનો મળે તો, તે તેનો જેનોમ ઉકેલવા માંગે છે. વાત છેવટે 'સીરીયસ'નાં પ્રોડયુસર સ્ટીવન ગ્રીર પાસે પહોંચી. સ્ટીવન ગ્રીર પોતે UFOમાં માનનારાં એક યુફોલોજીસ્ટ છે. તેમણે હાઈડન ટ્રુથ, ફોરબીડન નોલેજ નામે પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકનાં આધારે જ ફિલ્મ બનાવવામાં આવી હતી. ફિલ્મમાં લશ્કરી અધિકારીઓ અને સરકારી અધિકારીઓની મુલાકાત દર્શાવાઈ હતી. સ્ટીવન ગ્રીર અને 'આટા'નાં માલીક વચ્ચે વાતચીત થયા બાદ, તેઓ 'આટા'નો અતિસુક્ષ્મ હિસ્સો ગેરી નોલાનને આપવા માટે તૈયાર થયા હતા.'' સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં ગેરી પી નોલાનને અન્ય વૈજ્ઞાનિકોનો સાથ અને સહકાર પણ મળ્યો. આટાનું એક્સરે સ્કેનીંગ થયા બાદ, સ્ટેનફોર્ડ યુની.નાં જ રાલ્ફ એસ. લાચમેને તેને વારસાગત અસ્થી રોગોનાં સંદર્ભમાં પુરૃ ચકાસણી પણ કરી. અમેરિકાની યુનીવર્સીટી ઓફ કેલીફોર્નીયાનાં વૈજ્ઞાનિક અતુલ બુટેનો સેકન્ડ ઓપીનીઅન પણ લેવામાં આવ્યો. ડૉ. અતુલ બુટેની પ્રયોગશાળામાં સંગીતા વટ્ટાચાર્ટ, જેનોમમાં મ્યુટેશન શોધી કાઢ્યા હતાં. આ વૈજ્ઞાનિકોની ટીમે એક સંશોધન પત્ર લખીને ''જેનોમ સ્પિર્ચમાં છેવટે પ્રકાશીત કર્યું અને 'આટા'નાં રહસ્યનું આખરી ઉદઘાટન પણ થઈ ગયું.'

 ''આટા'' પરગ્રહવાસી નહીં પરંતુ ''પૃથ્વીવાસી'' જ છે !

'આટા' નામે ઓળખાતું એલીયન હાંડપીંજર ૨૦૦૩માં મળી આવ્યા બાદ, એક વેપારી પાસે ૨૦૦૯ સુધી સચવાઈ રહ્યું. ૨૦૦૯માં બાર્સેલોનાનાં સિમ્પોઝીયમમાં પ્રથમ વાર તેને રજુ કરવામાં આવ્યું ત્યારે લોકોને ફરીવાર તેનાં દર્શન કરવા મળ્યા. ૨૦૧૨માં ગેરી પી. નોલાનને હાંડપીંજરની પાંસળીમાંથી માત્ર બાર માઈક્રોગ્રામ જેટલાં કોષો ડિએનએ એનાલીસીસ માટે આપવામાં આવ્યાં. પાંસળીમાં રહેલાં બોનમેરોમાંથી આ સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ગેરી નોલાન અને ૧૫ જેટલાં અન્ય વૈજ્ઞાનિકોએ પાંચ વર્ષનાં સંશોધન અને જેનોમ ઉકેલ્યા બાદ રહસ્ય ખોલ્યું છે. ગેરી નોલાનનાં સંશોધન પેપર પ્રમાણે... 'આટા' હાંડપીંજર એ કોઈ પરગ્રહવાસી એલીયનનું હાંડપીંજર નથી. આ હાડપીંજર એક કન્યાનું છે. જેનાં જેનોમમાં, વિશ્વમાં અત્યાર સુધી જોવા ન મળી હોય તેવા હાડકાંનાં વિકાસ સાથે જોડાયેલા જનીનોમાં બદલાવ/ વિકૃતિ/ મ્યુટેશન જોવા મળે  છે. આ મ્યુટેશન થવા પાછળનું કારણ શું હતું ? તે જાણી શકાયું નથી. ગેરી નોલાન અંદાજ લગાવે છે કે જે ગામમાંથી આ હાડપીંજર મળ્યું હતું એ ગામમાં 'નાઈટ્રેટ'ની ખાણો આવેલી હતી. ગર્ભાવસ્થા દરમ્યાન વિકસતો ગર્ભ આ રસાયણોનાં કારણે અલ્પ વિકસીત રહી ગયો હોય અને તેનાં જનીનોમાં વિકૃતી પેદા થવાની સંભાવના કલ્પવામાં આવે છે. હાંડપીંજરની ઉંમર કેટલી છે ? કે તે કેટલું જૂનું છે ? તેનાં પર સંશોધન થયું નથી. ન્યુયોર્ક ટાઈમ્સનાં વિજ્ઞાન રિર્ખોર અને પ્રખ્યાત લેખક કાર્લ ઝીમર જણાવે છે કે હાંડપીંજર, સ્પેનમાં વસાહતોની શરૃઆત ઈ.સ. ૧૫૦૦ની આસપાસ શરૃ થઈ તે સમયનું હોવું જોઈએ. જોકે સંશોધન કરનારી ટીમ કહે છે કે હાંડપીંજર માત્ર ચાલીસેક વર્ષ જૂનું છે. એટલે કે ૧૯૭૦ની આસપાસ 'આટા'નો જન્મ થયો હોવો જોઈએ. આટાનો જન્મ મિસકેરેજ એટલે કે કસુવાવડમાં અથવા પ્રિમેચ્યોર એટલે કે અધુરા મહીને થયો હોવાની સંભાવના પણ છે. 'આટા'નું મૃત્યુ થયંડ ત્યારે તેની ઉંમર ૬ મહીના કરતાં વધારે નહીં હોય. જોકે હાંડપીંજરનાં હાડકાની બનાવટ અને અવસ્થા તે ૬ થી ૮ વર્ષનાં બાળકનું હોય તેવો અંદાજ આપે છે.

વૈજ્ઞાનિકો કહે છે કે 'આટા'ને ખૂબ જ દુર્લભ પ્રકારનાં રોગો લાગું પડયાં હતાં. જેમાં એક રોગ, સમય કરતાં પહેલાં જ કોષો વૃદ્ધ થવાની સમસ્યા પેદા થઈ હશે. 'પા' નામની ફિલ્મ તમને યાદ હશે. આ રોગને 'પ્રોમેરીયા' કહે છે. હાડપીંજરમાં હાડકાને લગતાં જનીનોમાં અનેક ખામીઓ જોવા મળી હતી. એલીયનનું રિપોર્ટ કાર્ડ જેનોમ રિસર્ચમાં પ્રકાશીત થયેલ લેખ મુજબ, શરૃઆતનાં તબક્કે 'આટા'નો જેનોમ અને ચીલીનાં એ પ્રાંતનાં લોકોનો જેનોમ ૯૨ ટકા મળતો આવતો હતો. મતલબ કે ૮ ટકા જેટલો તફાવત હતો. બીજીવાર કરવામાં આવેલ ચકાસણીમાં 'આટા'નો જેનોમ અને મનુષ્યનાં જેનોમ વચ્ચે ૯૮ ટકા જેટલી સમાનતાં છે. આ રિપોર્ટ ઉપર પણ વિવાદ થયો છે. 'આટા'ને એલીયન માનનારાં કહે છે કે મનુષ્ય અને ચિમ્પાન્ઝી બંનેનાં જેનોમમાં માત્ર બે ટકાનો તફાવત છે છતાં બંને અલગ અલગ પ્રજાતી છે. ટકાવારીનાં આ તફાવતને ધ્યાનમાં લઈએ તો, 'આટા' મનુષ્ય ગણી ન શકાય, તેવું યુફોલોજીસ્ટ માને છે. ગેરી નોલાને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ તફાવત સંપૂર્ણ જેનોમનો નહીં પરંતુ જનીનોની જે સિકવન્સ ચકાસી હતી. તેમાં જોવા મળ્યો છે. 'આટા' મનુષ્ય બાળક છે એ વાત નક્કી છે. જનીનોનાં મ્યુટેશનનાં કારણે 'આટા'નાં જેનોમમાં હાડકા અને સ્નાયુને લગતી વિકૃતિઓ જોવા મળી છે. જેને મેડિકલ ભાષામાં સ્કોલીઓસીસ, સ્કેલેટન ડિસ્પ્લાસીઆ અને કોન્જીનેટલ ડાયાફ્રેમાટીક હર્નીઆ કહે છે. આટાનું નાનુ કદ, હાડકા અને ખોપરીની વિકૃતિ, પાંસળીની ઓછી સંખ્યા, વેગેરને લગતા સવાલોનાં જવાબ, તેનાં જનીનોમાં શોધવાની વૈજ્ઞાનિકોએ કોશીશ કરી હતી. અત્યાર સુધી સૌથી નાના કદનાં બાળકની લંબાઈ ૮.૮ ઈંચ નોંધાઈ છે. જ્યારે 'આટા' આના કરતાં બે ઈંચ વધારે નાનું કદ ધરાવે છે. સંચીતા ભટ્ટાચાર્યે આટાનાં જનીનોમાં ૨૭ લાખ જગ્યાએ બદલાવ જોયો છે. જેમાંના ૫૪ જેટલાં મ્યુટેશન અત્યંત દુર્લભ ગણાય તેવા છે. 'આટા'ની વિકૃતિ માટે એક નહીં અનેક જનીનો જવાબદાર છે. જેમાં ૭ જેટલા જનીનોની વિકૃતિ સીધી જ હાડકાનાં વિકાસ અને વિકૃતીને લગતાં રોગો સાથે સંકળાએલાં છે. જેનાં કારણે, 'આટા' જન્મ સમયે કે જન્મ બાદ તુર્તજ મૃત્યુ પામી હોવી જોઈએ છતાં પણ તેનાં હાંડકાની ઉંમર ૬ થી ૮ વર્ષની લાગે છે. ગર્ભાવસ્થાનાં છ મહીના બાદ, આટાનો જન્મ થયો હોવો જોઈએ. 'આટા' જેવો જ બીજો નમુનો, રશીયાનાં કાઅલીનીવી ગામમાંથી ૧૯૯૬માં મળ્યો હતો. જે એક માદા ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે નમુના સરકારને ડીએનએ ટેસ્ટીંગ માટે આપ્યા હતાં. જ્યાંથી તે ગાયબ થઈ ગયા હતાં. હોસ્પીટલમાંથી ભાગવાની કોશીશ કરનારી માનસીક બીમાર મહીલાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ આખી રશીયન ઘટના પણ એક રહસ્યમય ઘટનાં છે.


No comments: