Tuesday 28 April 2020

પ્રાચીન ખોપરી ઉપરી ચહેરો સર્જવાની અનોખી કળા : ફેસિઅલ રિ-કન્સ્ટ્રકશન


એન્થ્રોપોલોજીથી ફોરેન્સિક સાયન્સનું અનોખું હથિયાર...

તમે ક્યારેય વિચાર્યું છે ખરૃ ? આપણા પુર્વજો, આજથી ૫-૧૦ હજાર વર્ષ પહેલાં કેવા દેખાતાં હશે. મહાભારત કાળનાં પાત્રોને આપણે, આજનાં મોર્ડન બોલીવુડ કલાકારોનાં ચહેરાઓથી ઓળખીએ છીએ. શું મહાભારતનાં પાત્રો આજના આધુનિક માનવી જેવો ચહેરો ધરાવતા હશે ? બે કાલ્પનીક સીનારીયોની કલ્પના કરો. એક. હજારો વર્ષ પ્રાચીન હાડપીંજર, પુરાતત્વવિદ્ આર્કીઓલોજીસ્ટને મળી આવે છે.

હવે નૃવંશ વિજ્ઞાાની તેનાં ચહેરા કેવાં હતાં એ જાણવું હોય તો શું કરે ? માત્ર ખોપરી કે ચહેરાનાં હાડકાઓ ઉપરથી માનવીનો ચહેરો બનાવી શકાય ? બે. કોઇ અવાવરૃ મકાનમાં ચોરી કરવાની દાનતે ગયેલા ચોર દરવાજો તોડીને મકાનમાં ઘૂસે છે ત્યારે સોફા ઉપર સડેલી હાલતમાં સુકાએલી લાશ પડેલી જુએ છે. ડરના માર્યા તેઓ ભાગી જાય છે. કેસની જાણ છતાં પોલીસ તપાસમાં આવે છે.

લાશને ઓળખી શકાતી નથી. માત્ર હાડપીંજર પરથી મનુષ્ય શરીર અને ચહેરો કોમ્પ્યુટરની મદદથી સર્જન કરી શકાય શકાય ? જવાબ છે 'હા'. વૈજ્ઞાાનિકોએ ફેસીઅલ રિ-કન્સ્ટ્રકશન ટેકનોલોજી વિકસાવી છે. જેનો ફોરેન્સીક સાયન્સ ઉપરાંત આર્કીઓલોજીસ્ટ અને એન્થ્રોપોલોજીસ્ટ પણ ઉપયોગ કરી શકે તેમ છે. આવા ફેસીયલ રિ-કન્સ્ટ્રકશનનાં બે કિસ્સા તપાસીએ.

ફેસિયલ રિ-કન્સ્ટ્રકશન : ઐતિહાસિક તથ્ય


૧૮૯૫ વિલ્હેમ હીઝ અને ૧૮૮૩માં હરમાન વેકરે, ખોપરી, દાંત અને જડબાનાં આકારને ધ્યાનમાં લઇને 'ચહેરો' નિર્માણ કરવાનો પ્રથમ પ્રયત્ન કર્યો હતો. હાડકા ઉપર સ્નાયુઓ અને ચહેરાઓની કોશીકાઓ કઇ રીતે ગોઠવાયેલી હોય છે ? તેનું ઊંડું સંશોધન કરીને કોલમાન અને બકલી નામનાં સંશોધકોએ એક ટેબલ તૈયાર કર્યું હતું.

આ ટેબલ આજે પણ ઘણી પ્રયોગશાળાઓ ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન માટે વાપરે છે. ફેસીયલ રિ-કન્સ્ટ્રકશનની જરૃર નૃવંશ શાસ્ત્રમાં વધારે પડે છે. નૃવંશશાસ્ત્રની બાયોલોજીકલ એન્થ્રોપોલોજીમાં મનુષ્ય પ્રજાતિનાં ઉત્પતિકાળ સમયનાં તેમનાં સ્વરૃપ અને ચહેરાની લાક્ષણીકતાઓ જાણવા માટે ફેસીયલ રિ-કન્સ્ટ્રકશનની જરૃર પડે છે.

ચહેરાનું પુન: નિર્માણ, પ્રી પરીક્ષણ (2D) અને ત્રણ પરિમાણ (થ્રીડી) એમ બે સ્વરૃપે થાય છે. ૧૯૬૪માં મિખાઇલ ઝેરાસીમોવે પ્રાચીન-નૃવંશશાસ્ત્ર માટે ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન વાપર્યું હતું. આ ટેકનીકનો ઉપયોગ ત્યારબાદ, ગુનાહ શોધન શાખા માટે પણ તેણે જ શરૃ કર્યા હતા. જોકે ફોરેન્સીક સાયન્સ માટે ફેસીયલ રિ-કન્સ્ટ્રકશનને લોકપ્રિય બનાવવાનો ક્ષેય વિલ્ટન ફોગમાનને ફાળે જાય છે.

તેણે ૧૯૬૧માં પુસ્તક પ્રકાશિત કરીને, ચહેરાનું પુન:નિર્માણ કઇ રીતે કરવું તેની પધ્ધતિ સમજાવી હતી. ૨૦૦૪માં કેનેડિયન આર્ટીસ્ટ ક્રિશ્ચીઅન કોરબેટે, બે હજાર વર્ષ પ્રાચીન 'મમી'નું CT સ્કેન અને લેસર સ્કેન કરીને વિશ્વનું પ્રથમ થ્રીડી ફોરેન્સીક ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન કર્યું હતું. આ કન્સ્ટ્રકશનને સુલમાન મમી પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. જોકે અત્યાર સુધી ફોરેન્સીક સાયન્સ માટે ફેસીયલ રિ-કન્સ્ટ્રકશનની કોઇ પ્રમાણીત / સ્ટાન્ડર્ડ પધ્ધતિ વિકસાવવામાં આવી નથી.

ચહેરાનાં પુન: નિર્માણ માટે ખોપરી એ પ્રાથમિક જરૃરીયાત બની જાય છે. એકવાર ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન મોડેલ તૈયાર થઇ ગયા બાદ તેનાં પર આભુષણ, વાળ, ચશ્મા વગેરે ઉમેરીને વધારે વાસ્તવિકતા લાવવાનો પ્રયત્ન થાય છે. ઘણા કિસ્સાઓમાં ગુનેગાર અથવા પીડીત વ્યક્તિની હેરસ્ટાઇલની ચોક્કસ માહિતી ન હોય ત્યારે ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન વડે કામ ચલાવી વાસ્તવિકતા લાવવી મુશ્કલ બની જાય છે.

''આવા'' તામ્રયુગનું પાત્ર


આ મહિલાને મૃત્યુ પામે અંદાજે ૩૭૦૦ વર્ષ થઇ ગયા હતાં. મોર્ડન આર્ટીસ્ટ માટે એ મોડેલ ગર્લ સાબિત થાય તેમ હતી. આર્કીઓલેજીસ્ટ તેને ''આવા''નાં નામે ઓળખતા હતાં. આધુનિક કલાકાર, આધુનિક સોફટવેર અને ઈમેજીંગ ટેકનિક વાપરીને, તામ્રયુગની રહસ્યમય મહિલા 'આવા'નાં ચહેરાનું સચોટ સર્જન કરવા માંગે છે.

ખાસ કરીને 'આવા'નું આકર્ષણ ''ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન'' એટલે કે ચહેરાનું પુન: નિર્માણ કરી શકે તેવાં મોર્ડન આર્ટીસ્ટને વધારે ખેંચે છે. આ કામમાં તેને ફોરન્સીક સાયન્સ અને મેડિકલ સાયન્સનાં જાણકારો પણ મદદરૃપ બને તેમ છે. આવાને આધુનિક ટેકનિકથી 'ચહેરો' આપવાનું કામ હેવ મોરીસને કર્યું છે. આ ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન ટેકનિક માટે હેવ મોરીસને અનેક ટેકનિક અજમાવી જોઇ છે.

સૌ પ્રથમ ખોપરી પર સંશોધન કરીને વૈજ્ઞાાનિક, સ્ત્રીનો એન્થ્રોપોલોજીકલ અને પેથોલોજીકલ એસેસમેન્ટ ડેટા મેળવે છે. જે મુજબ સ્ત્રીની ઉંમર અને તેનાં વંશનાં પ્રાચીન ઈતિહાસની ભાળ મેળવવામાં આવે છે. ત્યારબાદ, આવાનાં નીચેનાં જડબાનાં હાડકાની રચના કરવામાં આવે છે કારણ કે ખોદકામ દરમ્યાન ''આવા''ના જડબાનું નીચલું હાડકું મળ્યું ન હતું.

જડબાનાં નીચેના હાડકા માટે અમેરિકન એન્થ્રોપોલોજીસ્ટ વિલ્ટન ફોગમેનની ફોર્મ્યુલા કામમાં લેવામાં આવે છે. વિલ્ટન ફોગમેને ૧૯૬૨માં ધ હ્યુમન સ્કેલેટન ઈન ફોરેન્સીક મેડિસીન નામે પુસ્તક લખ્યું હતું. હવે બીજા તબક્કામાં મહિલાનાં નીચેનાં જડબાને મળી આવેલ વાસ્તવિક ખોપરીને, કોમ્પ્યુટરનાં થ્રિડી પ્રોગ્રામમાં લાવવામાં આવે છે.

આખી ખોપરી, ચહેરાનાં હાડકા સહીત એક થ્રીડી મોડેલ તૈયાર કરવામાં આવે છે. ત્રીજા તબક્કામાં ખાસ મેડીકલ ચાર્ટ ઉપરથી હાડકાનાં મોડેલ પર એવરેજ જાડાઇ વાળા સ્નાયુઓ ઉમેરવામાં આવે છે. હવે બાહ્ય ચામડી સિવાય સ્નાયુયુક્ત ચહેરો તૈયાર થઇ ગયો છે. ચોથા તબક્કે ફોરેન્સીક સાયન્ટીસ્ટની મદદથી હાઇ રિઝોલ્યુશન વાળી હજારો તસવીરો તપાસવામાં આવે છે.

સ્નાયુબધ્ધ ચહેરા સાથે સૌથી શ્રેષ્ઠ રીતે ફીટ બેસે તેવી આંખો, ભ્રમર, નાક, કાન, હોઠ, ચહેરાની ચામડી વગેરે લગાવવામાં આવે છે. ફાયનલ તબક્કે મોરફીંગ કરેલ ચહેરાને સાંધા-ટુકડા અલગ કરીને એકસુત્રતા દર્શાવે તેવો ચહેરો મોર્ફીંગ ટેકનીક વડે તૈયાર કરવામાં આવે છે. ૩૭૦૦ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ''આવા''નો ચહેરો, હવે જીવંત બને છે. ચહેરો સર્જન કરવાની નવી ટેકનોલોજીને વૈજ્ઞાનિકો ''ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન'' નામે ઓળખે છે.

''આવગી'' - ગ્રીક કન્યા...

૨૦૦૫માં નેશનલ જ્યોગ્રાફીક દ્વારા ફારોહ તુતેન આમુનનાં ચહેરાનું રિ-કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. કાલ્પનિક ટી.વી. શો ક્રાઇમ સીન ઈન્વેસ્ટીગેશન (SSI)માં પણ ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન દર્શાવવામાં આવ્યું હતું. ખૂબ જ લાંબી ચાલેલ ''બોન્સ'' નામની ટી.વી. સીરીઅલ્સે ફેસીયલ રિ-કન્સ્ટ્રકશનને લોકપ્રિય બનાવી આપી હતી.

જો કે મનુષ્ય સિવાય ટી-રેક્ષ નામનાં ડાયનોસૌરને પણ ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન વડે સજીવન કરવાનો પ્રયત્ન થયો હતો. તેનાં પરથી બનેલ હોલીવુડ ફિલ્મ ''ઝુરાસીક પાર્ક'' ખૂબ જ લોકપ્રિય બની હતી. આવો જ એક નવો રિ-કન્સ્ટ્રકશનનો પ્રયોગ થયો છે. જેને ફરીવાર નેશનલ જ્યોગ્રાફીએ લોકો સમક્ષ લાવવાનું ઉમદા કાર્ય કર્યું છે.

ગ્રીકની એક ગુફામાંથી નવ હજાર વર્ષ પ્રાચીન યુવાન સ્ત્રીનું અસ્થી પીંજર મળી આવ્યું હતું. જે સમયકાળનું આ 'અશ્મી' છે તેને ઈતિહાસકાર માનવ સભ્યતાની 'સવાર' એટલે કે પ્રભાત એન્થ્રોપોલોજી ડૉન ગણે છે. તેનાં ઉપરથી છોકરીને ''આવગી'' નામ આપવામાં આવ્યું છે.

'આવગી'નો અર્થ પણ થાય. પ્રભાત એન્થ્રોપોલોજી ડોન. નવ હજાર વર્ષ પહેલાં માનવી ભટકતા શિકારીનું જીવન છોડીને ખેતીનો પ્રારંભ કર્યો હોવાનું વૈજ્ઞાાનિકો માને છે. જોકે 'આવગી'ની જીંદગી કે મૃત્યુના કારણ વિશે વૈજ્ઞાાનિકો વધારે જાણતાં નથી. ગયા શુક્રવારે યુનિ. ઓફ એથેન્સનાં એક કાર્યક્રમમાં 'એક્રોપોલીસ મ્યુઝીઅમ'માં ''આવગી''નું ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન રજુ કરવામાં આવ્યું હતું.

''આવગી''નાં પ્રોજેક્ટમાં હોર્મોન વિશારદ, હાડકનાં નિષ્ણાંત, જ્ઞાાનતંતુ વિશારદ, પેથોલોજીસ્ટ અને રેડિયોલોજીસ્ટ જેવાં તબીબી જ્ઞાાન ધરાવતાં વૈજ્ઞાાનિકોએ પણ ભાગ લીધો હતો. રિ-કન્સ્ટ્રકશન ટીમનું નેતૃત્વ ઓર્થોડોન્ટીસ્ટ મેનોલીસ પાપાગ્રીગોરકીસે કર્યું હતું. તેમનાં મત પ્રમાણે દાંતનાં અભ્યાસ પરથી યુવાન સ્ત્રીની ઉંમર ૧૫થી ૧૮ વર્ષ વચ્ચેની હોવાનું અનુમાન લગાવવામાં આવે છે.

યુનિ. ઓફ એથેન્સની ટીમે, સ્વીડીશ આર્કીઓલોજીસ્ટ અને મૂર્તિ સર્જક ઓસ્કાર નિલસન સાથે પણ કામ કર્યું હતું. ઓસ્કાર માટે પાષાણ યુગનાં માનવીનાં ચહેરાનું પુન: નિર્માણ, એક ઉમદા શોખ રહ્યો છે. આ ટીમે આ પહેલાં એટલે કે ૨૦૧૦માં એથેનીઅન બાળા 'મિરનીસ'નું ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન કર્યું હતું. મિરનીસ એન્થેન્સમાં ઈ.સ. પૂર્વે ૪૩૦માં વસવાટ કરતી હોવાનું વૈજ્ઞાાનિક રીતે પૂરવાર થયું હતું.

ધ બોન ડોકટર અને મિખાઇલ ઝેરાસીમોવ...


મિખાઇલ ઝેરાસીમોવ એ ખ્યાતનામ રશીઅન આર્કીઓલોજીસ્ટ નૃવંશશાસ્ત્રી છે. જેમણે 'ફોરેન્સીક ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન' ટેકનિક માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. ૧૯૭૦ સુધીમાં તેઓ ૨૦૦ જેટલાં લોકોનું ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન કરી ચુક્યા હતાં. જેમાં ઈવાન ધ ટેરીબલ, ફ્રેડ્રીક શીલર અને તેમુંર લંગ ખૂબ જ જાણીતા ઐતિહાસિક પાત્રો હતાં. ૧૯૨૭માં નિએન્ડર થાલ અને 'જાવામેન' તરીકે જાણીતા માનવીનું ફેસીયલ રિ-કન્સ્ટ્રકશનનું પ્રદર્શન તેમણે કર્યું હતું. આ વૈજ્ઞાાનિકે 'ધ ફેસ ફાઇન્ડર' નામે પોતાની આત્મકથા પણ લખી છે.

લોકપ્રિય કવિ શીલરની ખોપરીને, સામુહીક દફન સ્થાનમાંથી અલગ તારવવા માટે મિખાઇલ ઝેરોસીમોવે મુખ્ય ભૂમીકા અદા કરી હતી. ૧૯૫૩માં રશીઅન સરકારે ''ઈવાન' ધ ટેરીબલની કબર ખોદીને અવશેષો મેળવવાની કવાયત કરી ત્યારે, મિખાઇલ તેનાં ચહેરાનું રિ-કન્સ્ટ્રકશન કરવામાં પોતાની સેવા આપી હતી. જેના માટે રશીઅન  સરકારે તેમને એક મહીનાનો  વધારે  પગાર આપવામાં આવ્યો હતો.
વિલ્ટન ફોગમાન :
વિલ્ટન ફોગમાન એક અમેરિકન નૃવંશશાસ્ત્રી છે. તેઓ ફીઝીકલ એન્થ્રોપોલોજીનાં લીડર ગણાય છે. પોતાની કારકિર્દીકાળમાં તેમણે અનેક તબીબી ક્ષેત્રે યોગદાન આપ્યું છે. ૧૯૩૯માં તેમણે 'ગાઇડ' ટુ આઇડેન્ટીફીકેશન ઓફ હ્યુમન સ્કેલટન મટીરીઅલ નામનો સંશોધન લેખ પ્રકાશિત કર્યો હતો. જેને ઈતિહાસકારો, અમેરિકાની ફોરેન્સીક એન્થ્રોપોલોજી બ્રાન્ચની શરૃઆત માને છે.

૧૯૪૦માં યુનિ. ઓફ શિકાગોમાં, એનોટોમી અને ફીઝીકલ એન્થ્રોપોલોજીની પ્રોફેસર તરીકે સેવા આપવાનું શરૃ કર્યું હતું. લોકો તેમને ''ધ બોન ડોકટર'' તરીકે ઓળખતા હતાં. ફોગમાને અસંખ્ય પુસ્તકો લખ્યાં છે. તેમનાં એક પુસ્તકમાં ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન ટેકનિક દર્શાવામાં આવી છે.

૧૯૬૬માં તેઓ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં ચૂંટાયા હતા. તેમની જીવન કથા, તેમનાં સહકાર્યકર અને મિત્રએ લખી છે. વિલ્ટન ફોગમાન અને મિખાઇલ ઝેરાસીમૉવનું ફેસીયલ રિ-કન્સ્ટ્રકશન ક્ષેત્રનું  યોગદાન અનોખું અને અભૂતપૂર્વ છે.

No comments: