Monday 6 April 2020

ફ્લેશ બૅક : ૨૦૧૭ ચાર ક્રાન્તિકારી શોધો : મનુષ્યનું ભવિષ્ય અને ભૂતકાળ બદલશે

Publication on 07-01-2018
આખરે અનેક ઉલટ પલટ કરીને ૨૦૧૭નું વર્ષ વિદાય પામ્યું. સાયન્સ વર્લ્ડમાં અનેક નવા સંશોધનો થયા અને મિડીયામાં સ્થાન પણ પામ્યા. ૨૦૧૭ની કેટલીક યાદોને વાગોળવી ગમે તેવી છે. કેટલીક શોધ અને સંશોધન એવા છે જેની અસરો નજીકનાં ભવિષ્યમાં જોવા મળશે. આવી બ્રેકથુ રિસર્ચ અને ડિસ્કવરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ માણીએ તે પહેલાં ભારતની સિધ્ધીઓ અને સંશોધનો જોઈએ તો.... હવે હિમાલય પણ પ્રદુષણમાંથી બાકાત રહ્યો નથી. મનાલી-લેહ હાઈવે પર સલ્ફર યુક્ત પ્રદુષણ જોવા મળ્યું છે. જે લકઝરી અને ટુરીસ્ટ વાહનોનાં બળતણનાં કારણે વધ્યું છે.  ભારતે ૪ ટન જેટલું વજન અંતરીક્ષમાં લઈ જાય તેવાં જીએસએલવી- માર્ક-૩ નું સફળ પરિક્ષણ કર્યું. આપણા વૈજ્ઞાાનિકોએ ગ્રીફીન ઓકસાઇડ મેમબ્રેન ધરાવતું ફિલ્ટર વાપરીને દરિયાનાં ખારા પાણીને ફિલ્ટર કરીને પિવાલાયક બનાવી બતાવ્યું. ભારતને ખોટ પણ પડી પ્રો. યશપાલ શર્મા, અને બ્લેક હોલ ક્ષેત્રે વિશિષ્ટ થિયરી આપનાર પ્રો. સી. વી. વિશ્વેશ્વરા જેવા વૈજ્ઞાાનિકોને ગુમાવ્યા. ભારતિય ખગોળશાસ્ત્રીઓએ ૪ પ્રકાશ વર્ષ દુર આવેલી આકાશગંગાઓનું એક આખુ નવું ઝુમખુ શોધી કાઢયું જેને 'સરસ્વતી' નામ આપવામાં આવ્યું. ઇસરોનાં પીએસએલવી-૩ વડે ૧૦૪ સેટેલાઈટ અંતરિક્ષમાં ગોઠવીને નવો કિર્તીમાન રચ્યો. અને ડિએનએનાં અભ્યાસ દ્વારા, આપણાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું કે, 'આર્યો ઇ.સ.પુર્વે બે હજાર વર્ષ પહેલાં મધ્ય એશીયામાંથી હિન્દુસ્તાનમાં આવ્યા હતા. વિતેલા વર્ષોની ફલેશબેક પર એક નજર...

ભૌતિક શાસ્ત્ર : ગ્રેવીટેશન વેવ્ઝની શોધે આલ્બર્ટ આઇન સ્ટાઇનને સાચા ઠેરવ્યા 

૨૦૧૭ની સૌથી મહત્વપૂર્ણ અને બ્રેક થુ્ર કહેવાય તેવી ઘટના હતી. ગ્રેવીટેશન વેવ્ઝની શોધ. ગુરૃત્વાકર્ષણ માટે જવાબદાર ગુરૃત્વ તરંગોની શોધનાં સમાચાર સૌ પ્રથમ લીગો લેબોરેટરીનાં વૈજ્ઞાાનિકોએ આપ્યા હતાં. બે બ્લેક હોલની અથડામણથી પેદા થયેલાં ગ્રેવીટેશન વેવ્ઝ એટલે કે ગુરૃત્વાકર્ષણનાં તરંગો વર્ષો પહેલાં પેદા થયા હતાં. જેને ઝીલીને લીગોનાં વૈજ્ઞાાનિકોએ સાબીત કરી આપ્યું કે એક સદી પહેલાં આઇનસ્ટાઇને કરેલી ગ્રેવીટેશન વેવ્ઝને લગતી થિયરી અને અનુમાન ખરેખર સાચા હતાં. ભૌતિકશાસ્ત્રની દુનિયામાં હિગ્સ બોલોન પછીની આ એક મહત્વપૂર્ણ આવિષ્કાર હતો. આલ્બર્ટ આઇનસ્ટાઇનની થિયરી ઓફ રિલેટીવીટીને સમજવા માટે અને હાલનાં વિસ્તરણ પામતાં બ્રહ્માંડને સમજવા માટે, ગ્રેવીટેશન વેવ્ઝની શોધ મહત્વની પુરવાર થાય તેમ છે. વૈજ્ઞાાનિકોએ ગ્રેવીટેશન વેવ્ઝની શોધને વૈશ્વિક સ્વીકારનો સિક્કો મારવાનો હોય તેવી બીજી સનસનીખેજ શોધ કરી બતાવી. આ શોધમાં પણ લીગો ખગોળશાખા અને ઇટાલીઅન વેધશાળા 'વિરગો'ની ભૂમિકા ખૂબ જ મહત્વની બની રહી હતી. ૧૩ કરોડ વર્ષ પહેલાં બે ન્યૂટ્રોન તારાઓની અથડામણ થઇ હતી. આ ટક્કરમાંથી પેદા થયેલાં ગુરૃત્વાકર્ષણનાં તરંગોની 'સિગ્નેચર' ભૌતિકશાસ્ત્રીઓએ પકડી પાડી હતી. આલ્બર્ટ આઇનસ્ટાઇનને સાચો ઠેરવવા આ બીજી વારની ગુરૃત્વાકર્ષણ તરંગોની શોધ કાફી છે. આ શોધની જાહેરાત ફેલટેકની ટવીન લેબોરેટરીનાં એકઝીકયુટીવ ડિરેકટર ડેવિડ રેઇટઝે કરી હતી. આ પહેલાં વૈજ્ઞાાનિકોએ ૧.૩૦ અબજ વર્ષ પહેલાં અથડામણ પામેલા બે બ્લેક હોલમાંથી પેદા થયેલાં ગુરૃત્વાકર્ષણનાં મોજાઓ, પૃથ્વી પર પહેલીવાર જીલી બતાવ્યા હતાં. આ બ્લેક હોલનો વ્યાસ માત્ર ૧૫૦ કિ.મી. જેટલો હોવા છતાં તેમાં ૩૦ જેટલા આપણા સુર્ય સમાએલા હોય તેટલો પદાર્થ તેમાં રહેલો હતો. આટલા દળદાર પદાર્થની અથડામણ નોંધી શકાય તેવી ગુરૃત્વાકર્ષણનાં મોજાઓમાં ખલેલ પહોંચાડી શકે. યાદ રહે કે ગુરૃત્વાકર્ષણનાં તરંગોની તરંગ લંબાઇ, પ્રોટોન જેવાં સુક્ષ્મ કણનાં કદનાં એક હજારમાં ભાગ જેટલી જ હોય છે. જેને ઝીલવા માટે ખુબજ સંવેદનશીલ ડિરેકટરની જરૃર પડે છે. ભારત પણ લીગો જેવા સંવેદનશીલ ઉપકરણોવાળી વેધાશાળાનું બાંધકામ કરી રહી છે.

તબિબી વિજ્ઞાન :- ક્રિસ્પર વડે માનવ ગર્ભનું જીનેટીક એડીટીંગ 

તબિબી વિજ્ઞાન માટે ખુબ જ મહત્વનું કદમ ગણાય તેવું સંશોધન વૈજ્ઞાાનિકોએ કરી બતાવ્યું છે. ઓરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીનાં વૈજ્ઞાાનિકોએ જનીનોની અદલાબદલી કરવાની ટેકનીક જીનેટીકલ મોડીફીકેશન વાપરીને ગર્ભાંકુરનો વિકાસ કરી બતાવ્યો છે. આ પહેલાં વૈજ્ઞાાનિકોને આવા સંશોધનમાં સફળતા મળી ન હતી. ગર્ભનાં મોડીફિકેશન માટે ખુબ જ ક્રાન્તિકારી આવિષ્કાર ગણાતી ટેકનિક ક્રિસપર-ફેસ-૯ વાપરવામાં આવી હતી. જીનેટિકલી મોડીફાઇડ ગર્ભને બાળક બને ત્યાં સુધી વિકસવા દેવામાં આવ્યો ન હતો. આ એક નૈતિક સમસ્યા છે. વૈજ્ઞાાનિકોએ હવે વિકસતા ગર્ભમાં જ, રોગ પેદા કરનારાં જનીનોને સુધારવા  માટે ટેકનિક અને થિયરી વિકસાવી લીધેલ છે. આ પ્રયોગ શુખારટ મિતાલીપોવનાં નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો. એક કોષ ધરાવતાં ગર્ભનાં ડિએનએને બદલવામાં વૈજ્ઞાાનિકોને સફળતા મળી હતી. આવનારાં ભવિષ્યમાં ''ક્રિસ્પર'' જીન એડિટીંગ ટેકનિક ખુબ જ મહત્વની સાબીત થશે. આ ુપ્રોજેક્ટ દ્વારા મિતાલીપોવે બે મહત્વનાં નોંધપાત્ર રેકોર્ડનું સર્જન કર્યું હતું. એક : તેમણે મહત્તમ સંખ્યાઓનાં ગર્ભ પર આ પ્રયોગ કર્યો. બે : ખામીયુક્ત જનીનોનાં કારણે પેદા થતાં વારસાગત રોગોને ગર્ભાવસ્થા દરમ્યાન દૂર કરવા માટે ફળદાયક નિર્દેશન કરી બતાવનારાં તેઓ પ્રથમ વ્યક્તિ છે. ક્રિસ્પર ટેકનિક વિકસાવે વૈજ્ઞાાનિકોને ઘણા વર્ષો થયા છે. આમ છતાં પ્રયોગો માટે તેનો ઉપયોગ ખુબ જ નવો ગણાય છે. 'નેચર મેથડ' મેગેજીનમાં આ પધ્ધતિની નેગેટીવ સાઇડ પણ દર્શાવામાં આવી હતી. આ ટેનિક વાપરવાથી કોષનાં જેનોમમાં કેટલીક વાર અનિચ્છીત અને અણધાર્યા મ્યુટેશન એટલે કે જીનેટીક બદલાવ થાય છે. મિતાલીપોવનાં સંશોધને હવે બતાવી આપ્યું છે કે ક્રિસ્પર ટેકનિક મનુષ્ય કોષો  ઉપર કઇ રીતે કામ કરે છે. વૈજ્ઞાાનિકોની ટીમે ગર્ભનો વિકાસ માત્ર ગણતરીનાં દિવસો પુરતો જ સીમીત રાખ્યો હતો. તેને કોઇ માદાનાં ગર્ભમાં આરોપીત કરવામાં આવ્યો ન હતો. કારણ કે આવા પ્રયોગો કરવા પર અમેરિકન કોંગ્રેસે પ્રતિબંધ મૂકેલ છે. ક્રિસ્પર ટેકનિકનો ઉપયોગ કેન્સરની સારવાર માટે, મનુષ્યને લાગતા પ્રાણીજન્ય રોગોને અટકાવવા અને કોષોનાં ડિએનએને બદલવા માટે ભવિષ્યમાં થાય તેવી ખુબ જ મોટી સંભાવના રહેલ છે.

નૃવંશ શાસ્ત્ર :- મનુષ્યનો ભુતકાળ એક લાખ વર્ષ પાછો ધકેલાયો 

અત્યાર સુધી મનુષ્ય એટલે કે હોમોસેપીઅનની સ્ટોરી કે ઈતિહાસ બે લાખ વર્ષ પહેલાંના સમયથી વૈજ્ઞાાનિકો શરૃ કરતાં હતાં. જુન-૨૦૧૭માં નેચર મેગેઝીનમાં પ્રકાશિત થયેલ સંશોધને માનવ ઈતિહાસને એક લાખ વર્ષ વધારે પાછળ ધકેલી મૂક્યો છે. મોરોક્કો દેશનાં મારાકેચ અને આટલાન્ટિક કોસ્ટ વચ્ચે આવેલી ખાણની એક સાઇટ પરથી મનુષ્યની અધુરી ખોપરી અને જડબાનું નીચેનું હાડકુ મળી આવ્યું હતું. અહીંથી અન્ય અશ્મીઓ મળી આવ્યા હતાં. અશ્મીઓનું પૃથ્થકરણ કરતાં અશ્મીઓ શરૃઆતનાં હોમોસેપીઅન - મેઘાવી માનવીનાં હોવાનું સામે આવ્યું હતું. જેનો સમય નિર્ધારણ કરતાં અશ્મીઓ ૩.૦ થી ૩.૫૦ લાખ વર્ષ પ્રાચીન હોવાનું જાણવા મળ્યું હતું. આ સ્થળેથી ત્રણ પુખ્ત વ્યક્તિ, એક કિશોર અને એક બાળકનાં અશ્મીઓ મળ્યા હતાં. આ સંશોધનનો અર્થ થાય આપણે જે પહેલાં વિચારતાં હતાં. તેના કરતાં મનુષ્યની ઉત્ક્રાંતિ એક લાખ વર્ષ પહેલાં થઇ હતી. આ અશ્મીઓ હોમોસ્પીઅન અને આજનાં આધુનિક મનુષ્ય વચ્ચેનો ઉક્રાંતિ સંબંધ બતાવે છે. તેમનો ચહેરો આધુનિક માનવી જેવો, ત્રણ લાખ વર્ષ પહેલાં થઇ ચુક્યો હતો. પરંતુ તેમનું મગજ આજનાં માનવી જેટલું વિકસેલ ન હતું. આ પહેલાં દ. આફ્રિકામાંથી હોમોસોપીઅનનાં ૨.૬૦ લાખ અને ઈથોપીઆમાંથી ૧.૯૫ લાખ વર્ષ પ્રાચીન અશ્મીઓ મળી આવેલ હતાં. આ હિસાબે આજના માનવીનો ઈતિહાસ ૨.૬૦ લાખ વર્ષથી શરૃ થતો હતો. જે હવે ૩.૬૦ લાખથી નૃવંશશાસ્ત્રી નવેસરથી આલેખશે. અશ્મીઓ ૧૯૬૦નાં દાયકામાં વૈજ્ઞાાનિકોને મળ્યા હતાં. પરંતુ આધુનિક ટેકનોલોજી વાપરીને ફરીવાર તેનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. શરૃઆતનાં તબક્કામાં આ અશ્મીઓ માત્ર ૪૦ હજાર વર્ષ પ્રાચીન હોવાનું વૈજ્ઞાાનિકોએ જણાવ્યું હતું. જેથી તેનાં પર વધારે સંશોધન થયું ન હતું. મેક્સ પ્લન્ક ઈન્સ્ટીટયુટનાં જીન જેક્સ હુબાલીનને લાગ્યું કે ફોસીલનાં સમય નિર્ધારણમાં કંઇક ગરબડ છે. તેમણે નવેસરથી આ અશ્મીઓ ઉપર સંશોધન કરતાં, વૈજ્ઞાાનિકોને મનુષ્યનાં ભુતકાળને બદલવો પડે તેવી પરિસ્થિતિ પેદા થઇ છે. તેમણે ૧૯૮૦ અને ૧૯૯૦ જેબેલ ઈર્હોડની વારંવાર મુલાકાત લીધી હતી. ૨૦૦૪માં તેમણે અહીં ફરીવાર ખોદકામ પણ કરાવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે આ 'સાઇટ' ૩.૬૦ લાખ વર્ષ પહેલાં હોમોસીપીઅનને રહેવા માટેની ગુફા હતી. જેમાં નાનું કુટુંબ વસવાટ કરતું હશે. અહીંથી કેટલાંક હથિયાર પણ મળ્યાં છે. મધ્ય પાષાણ યુગનાં ૧૬ જેટલાં અશ્મીઓ  અને પથ્થરનાં ઓજારો અહીંથી મળ્યા હતા.

વાનરની નવી પ્રજાતિ મળી આવી. ''પોંગો તાપુ નુલેન્સીસ'' 

નવેમ્બર ૨૦, ૨૦૧૩નાં રોજ સુમાત્રા ઉરાંગ ઉટાંગ કન્ઝરવેશન પ્રોગ્રામનાં લોકોને એક ફોન કોલ મળે છે. જેમાં જણાવવામાં આવે છે કે તાપાનુલી પર્વતિય વિસ્તારમાં એક ઉરાંગ ઉટાંગ ઘાયલ થઇને પડયું છે. મેટ તોવાક કહે છે 'અમે પહોંચ્યા ત્યારે તેનાં ચહેરા પર ઘા હતો. માથા, પગ, પીઠ અને હાથમાં પણ ઈજાઓ થયેલી હતી. તેનાં શરીરમાં ત્યારબાદ એર રાઇફલની કેટલીક બેલેટ પણ મળી આવી. જે મનુષ્યોએ આ લાચાર પ્રાણી પર કરેલ અત્યાચાર બતાવતી હતી. તબીબી સારવાર પૂરી પાડવા છતાં આઠ દિવસ બાદ, ઉરાંગ ઉટાંગનું મૃત્યુ થયું તેનું નામ એમણે ''રાયાં'' રાખ્યું હતું. વૈજ્ઞાાનિકોએ આ પ્રાણીને ઉરાંગ ઉટાંગની નવી મળી આવેલ પ્રજાતિ તરીકે તાજેતરમાં સ્વીકાર્યું છે. આ પ્રાણી તપાનુલી પર્વતીય ક્ષેત્રમાંથી મળી આવ્યું હતું. જે વિસ્તાર બબતાંગ નોરૃનાં જંગલો કહેવાય છે. અહીં દુનિયાનાં દુર્લભ એાવ ઉરાંગ ઉટાંગ વાનરની પાંખી સંખ્યામાં વસ્તી છે. યુનિ. ઓફ ઝુરીકનાં માયઝાન ક્રુઝેન અહીં એક દાયકાથી 'ગ્રેટ એપ' ગુ્રપ પર સંશોધન કરે છે. નવી શોધાયેલી પ્રજાતીની સંખ્યા ૮૦૦ની આસપાસ છે. જીવવિજ્ઞાાનીએ તેને 'પોન્ગો તાપોનુલેન્સીસ' નામ આપ્યું છે. ૧૯૯૭ સુધી લોકોને આ વાનરનાં અસ્તીત્વની પણ જાણ ન હતી. ૨૦૧૩માં ''રાયાં''નાં અવસાન થતાં સંશોધકોએ અભ્યાસ માટે સંપૂર્ણ વાનર દેહ મળી આવ્યો હતો. વૈજ્ઞાનિકો અત્યાર સુધી ૩૭ જેટલાં વિવિધ ઉરાંગ ઉટાંગનો જેનોસ તપાસી ચુક્યાં છે. જેમાં જાણવા મળ્યું કે ૩.૪૦ લાખ વર્ષ બતાંગ નોરૃ અને બોર્તીઅન ઉરાંગ ઉટાંગની પ્રજાતિ ઉક્રાંતિના માર્ગે અલગ થઇ હતી. સાત લાખ વર્ષ પહેલાં આ જ રીતે બોર્નીયો અને સુમાત્રાનાં ઉરાંગ ઉટાંગ, ઉત્ક્રાંતિનાં માર્ગે ચાલવા માટે અલગ અલગ ''સ્પીસીઝ''માં ફેરવાયા હતા. બતાંગ ટોરૃના ઉરાંગ ઉટાંગ અન્ય પ્રજાતિથી આશરે ૧૦ થી ૨૦ હજાર વર્ષ પહેલાં અલીપ્ત થઇ ગયા હતાં. મનુષ્ય અને હાઇડ્રો ઈલેક્ટ્રીક કેસનાં કારણે સુમાત્રાનાં ઉરાંગ ઉટાંગની વસતી પર અસ્તિત્વનો ખતરો છે. જેમાં ૮% વસતી બતાંગ તોરૃનાં ઉરાંગ ઉટાંગની પણ છે. વૈજ્ઞાાનિકોના મત પ્રમાણે ૩.૩૦ લાખ વર્ષ પહેલાં, દક્ષિણ એશિયાની ભુમિ પરથી ઉરાંગ ઉટાંગ સુમાત્રાનાં ટાપુઓ પર સ્થળાંતરીત થયાં હતાં. જે 'તોબા' વિતારમાં વસ્યા હતાં.

No comments: