Publication: 22-09-2019


વુડન વન્ડર, ટીમ્બર ટેરર અને 'મોસ્સી' તરીકે જાણીતું...મોસ્કીટો:
ઇતિહાસ મનુષ્યને શું શીખવે છે? ભુલોનું પુનરાવર્તન ન કરવાનું કે બીજું કાંઈ ? ઇતિહાસ બહુ તટસ્થ રહીને આલેખનકાર વર્ણન કરતો હોય એવું કંઇ નથી. એક વાત નક્કી છે કે મનુષ્ય એ આવનારી પેઢીને પોતાનો ભવ્ય ભુતકાળનું દર્શન કરાવવું હોય તો તેને 'ટાઈમ ટ્રાવેલ'કરાવી ભુતકાળને તેની નજર સામે તાજો કરવો જોઇએ. સામાન્ય રીતે ઇતિહાસને લોકો પુસ્તક સ્વરૂપે વાંચે છે. પરંતુ ટેકનોલોજીનાં આ દાયકામાં એક નવિન ઘટના બનવા જઇ રહી છે. બીજું વિશ્વયુધ્ધ હવે ઇતિહાસનાં પ્રકરણોમાં સમાઈ ગયું છે. યુરોપમાં બીજા વિશ્વયુધ્ધ વખતે શું હાલત હતી. જર્મની સામે બ્રિટન કઇ રીતે લડયું હતું ? વિશ્વયુધ્ધમાં હવાઈ હુમલાએ એક નવો અધ્યાય ખોલ્યો હતો. પર્લ હાર્બર પર હવાઈ હુમલો કરીને જાપાને સુતેલા ઝેરી નાગને જગાડયો અને પરિણામ શું આવ્યું ? અમેરિકાએ પરમાણુ બોમ્બ વાપરીને જાપાનને ઘુંટણીયે પાડીને માફી માંગવી પડે તેવી સ્થિતીમાં લાવી દીધું.બ્રિટનનાં વિશ્વયુધ્ધ દરમ્યાન રોયલ એરફોર્સનાં વિમાનોએ રંગ રાખ્યો હતો. જર્મનીનાં V-૨ રોકેટ ને તોડી પાડવા માટે બ્રિટન 'મોસ્કીટો' નામનું ફાઈટર પ્લેન વાપર્યું હતું. 'મોસ્સી' નો હુલામણા નામે ઓળખાતું ફાઈટર પ્લેન હવે ઇતિહાસને આંગળીનાં ટેરવે લાવીને મુકવાનું છે !
આખરે વાત શું હતી?
બંધ ફેકટરીમાંથી જ્યારે ડ્રોઇંગ્સ મળ્યાબ્રિટનનાં વેલ્સ પાસે તેનો મુખ્ય વિસ્તાર ફ્લીન્ટ શાયર આવેલો છે. જ્યાં બ્રોટન નામનુ મથક આવેલું છે. અહીં પ્રખ્યાત એરોસ્પેસ કંપની 'એરબસ'ની ઓફીસ અને જુની ફેકટરી આવેલી છે. ઓગષ્ટ ૨૦૧૭માં એક જુની ફેકટરીને બુલડોઝર ફેરવીને જમીન દોસ્ત કરવાનું નક્કી કરવામાં આવ્યું. બિલ્ડીંગને તોડી પાડતાં પહેલાં એમાં શું સામાન છે એ જોવાનું નક્કી થયું. બુલડોઝર ચલાવવાનું હતું.એના એક દિવસ પહેલાં, એરબસનાં કર્મચારીને વિમાનને લગતાં ૨૦ હજાર જેટલાં ટેકનિકલ ડ્રોઇંગ્સ મળી આવ્યા. તપાસ કરતાં ખબર પડી કે આ ડ્રોઇંગ વિશ્વયુધ્ધ - બેમાં વપરાયેલાં રોયલ એરફોર્સનાં ફાઇટર પ્લેન 'મોસ્કીટો'નાં છે. મોસ્કીટનો અર્થ થાય... મચ્છર.
લાગે છે કે વિમાનનાં ઓછા વજન અને ઓછો એન્જીન અવાજનાં કારણે 'મોસ્કીટો' નામ આપવામાં આવ્યું હશે. બિજા વિશ્વયુધ્ધમાં બે એન્જીનવાળા 'મોસ્કીટો' વિમાને અનેક પ્રકારની ભુમિકાઓ ભજવી હતી. ખાસ કરીને જર્મનીનાં V-૨ રોકેટને તોડી પાડવા માટે 'મોસ્કીટો' ફાઈટર પ્લેને ખાસ કામગીરી બજાવી હતી. જર્મનીનાં V-૨ રોકેટોએ બીજા વિશ્વયુધ્ધમાં તરખાટ મચાવી દીધો હતો. જર્મનીને ઇર્ષ્યા થતી હતી કેબ્રિટન પાસે આવાં વિમાન હતાં. તમને જાણીને નવાઈ લાગશે કે બીજા વિશ્વયુધ્ધમાં વિમાન બનાવવા માટે એલ્યુમિનીયમ જેવી હલકી ધાતુનો ઉપયોગ શરૂ થઇ ચુક્યો હતો.છતાં આ ફાઈટર પ્લેનને બનાવવા માટે લાકડુ, પ્લાયવુડ અને લેમિનેટેડ શીટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇતિહાસમાં અમર થયેલાં ફાઇટર પોતાનાં ટેકનિકલ ડ્રોઇંગ્સ ગુમ થઇ ગયેલા કે યુધ્ધ દરમ્યાન નાશ પામેલા માનવામાં આવતાં હતાં. પરંતુ નસીબજોગે એરબસની જુની બંધ થઇ ગયેલી ઓફીસ માંથી ૨૦ હજાર કરતાં વધારે ટેકનિકલ ડ્રોઇંગ મળી આવ્યા.મોટા ભાગનાં માઇક્રો ફિલ્મ અને ૩૨ એમ.એમ.ની સ્લાઇક ફિલ્મો પર આવેલાં છે. જેનું વજન અંદાજે ૬૭ કી.ગ્રા. જેટલું છે. જો બુલડોઝર ફરી વળ્યું હોત તો ઓફીસનાં બાંધકામની સાથે જ ડ્રોઇંગ પણ જમીનમાં દફન થઇ ગયા હોત પરંતુ સમયને કંઇક નવું કરવું હતું.એક નોન-ગર્વેન્મેન્ટ ઓર્ગેનાઇઝેશન આગળ આવ્યું અને નક્કી કર્યું કે રોયલ એરફોર્સનાં 'મોસ્કીટો' પ્લેનને નવી પેઢીમાં તે જીવંત કરશે. ટેકનીકલ ડ્રોઇગ પરથી 'મોસ્કીટો' વિમાનનું ફરીવાર એ સર્જન કરશે.
બીજા વિશ્વયુધ્ધની યાદો...
બીજા વિશ્વયુધ્ધમાં આમ તો ઘણા બધા એરક્રાફ્ટ આકાશમાં ઉડયા હતાં. વિશ્વયુદ્ધનાં જાણકારો એક આખુ લીસ્ટ આપી શકે પરંતુ તેમાં 'આયકન' બનેલા યુધ્ધ પંખીઓમાં સ્પીટફાયર, P-૫૧, જીરો, સ્ટુકા, Me-૧૦૯ કોર્સ એર, લેંકેન્સ્ટર B-૨૯ મુખ્ય ગણાય. જો કે આ બધામાં એક ફાઇટર પ્લેન અનોખુ હતું. જેને ઇતિહાસકાર વુડન વન્ડર, ટીમ્બર ટેરર, લુપીંગ લમ્બરયાર્ડ કહે છે. જેનું ખરૂ નામ છે. ધ હાવીલેન્ડ મોસ્કીટો.
બેટલ ઓફ બ્રિટન બાદ એ વિશ્વયુધ્ધમાં પ્રવેશ્યું હતું. તેનાં ૩૩ જેટલાં વર્ઝન વિશ્વયુધ્ધમાં વાપરવામાં આવ્યા હતાં. બીજાવિશ્વયુધ્ધ બાદ સાત નવાં સુધારેલાં મોડેલ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુધ્ધમાં 'મોસ્કીટો'ની રેન્જ ૩૦૦૦ કી.મી.હતી. લંડનથી વોર્સો સુધી તે પાછુ આવી શક્તું હતું. બીજા વિશ્વયુધ્ધમાં બનેલો ફાઈટર પ્લેનમાં તે સૌથી ઝડપી ઉડનાર પ્લેન હતું. શરૂઆતમાં તેને જાસુસી કામ કરવા તૈયાર કરવામાં આવ્યું હતું. પાછળથી તેનો ઉપયોગ બોમ્બર વિમાન, ફાઈટર પ્લેન, અને નાઇટ ફાઈટર તરીકે કરવામાં આવ્યો હતો. વિશ્વયુધ્ધ ખતમ થયું ત્યાં સુધી 'મોસ્કીટો'નાં પાયલોટો ૬૦૦ જેટલાં દુશ્મન પ્લેન તોડી પાડી રેકોર્ડ કર્યો હતો.
વિશ્વયુધ્ધમાં D-Day તરીકે જાણીતા જુન ૧૯૪૪નાં સંગ્રામમાં પણ મોસ્કીટો એક્ટીવ રહ્યું હતું. મે-૧૯૪૫માં જર્મનીએ શરણાગતી સ્વીકારી ત્યારે પણ 'મોસ્કીટો' સક્રીય હતું. તેનાં બાંધકામ માટે કેનેડા અને ઓસ્ટ્રેલીઆને પણ લાયસન્સ આપવામાં આવ્યા હતાં. ૧૯૫૦માં બ્રિટનને ઘર આંગણે તેનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.
વિશ્વયુધ્ધમાં પ્લેન ૨૨૬ કી.ગ્રામનાં બોમ્બ લઇ જઈ શક્તું હતું. વિશ્વયુધ્ધ દરમ્યાન કુલ ૮૦૦૦ 'મોસ્કીટો' પ્લેનનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુધ્ધમાં હરમાન ગોરીંગની જાહેર સભા ભરાવાની હતી. ત્યાં પણ તેણે બોમ્બ જીક્યા હતાં. ખુબ નીચા લેવલે ઉડીને તે બોમ્બ ફેંકી શક્તું હતું. શરૂઆતમાં બ્રિટનની એર મિનીસ્ટ્રીને એરક્રાફ્ટ બતાવવામાં આવ્યું ત્યારે તેમને શંકા હતી કે આ પ્લેન ખરેખર ઉપયોગી બનશે કે નહીં ?
લોકોનાં આશ્ચર્ય વચ્ચે બ્રિટન પર જર્મનીનાં V-૨ રોકેટ બરબાદી વરસાવી રહ્યાં હતાં અને લોકોમાં ભયનું સામ્રાજ્ય છવાયુ એવા સમયે મોસ્કીટોએ ૪૨૮ જેટલાં V-૨ રોકેટને આંતરીને તોડી પાડયા હતાં.
મોસ્કીટો: ૨૬ વર્ષ બાદ ફરીવાર આકાશમાં ઉડશે:
છેલ્લાં ૨૨ વર્ષમાં આ પ્લેન ક્યારેય આકાશમાં ઉડતું દેખાયું નથી. ૨૨ વર્ષ પહેલાં છેલ્લીવાર આ પ્લેનનું ઉડ્ડયન થયું ત્યારે તે તુટી પડયું હતું અને વિમાનમાં બેઠેલાં પાયલોટ અને નેવિગેટરનું મૃત્યુ થયું હતું. વિશ્વયુધ્ધમાં અનેક કારનામા બતાવનાર આ પ્લેનને ચાહકો 'મોસ્સી' અથવા વુડન વન્ડર તરીકે ઓળખે છે. ૨૦૧૭માં તેનાં ૨૦ હજાર જેટલાં ટેકનીકલ ડ્રોઇંગ્સ મળી આવ્યા એટલે શોખીનો એ નક્કી કર્યું કે ઇતિહાસ બની ગયેલ RAF નાં ફાઇટર પ્લેનને બનાવીને ફરીવાર તેને આકાશમાં ઉડાડવામાં આવશે જેથી વિશ્વ આખું જોઈ શકે છે બીજા વિશ્વયુધ્ધમાં વપરાયેલ 'મોસ્કીટો' ફાઇટર પ્લેન કેવું હતું. તેનો ઇતિહાસ શું હતો ?આ મકસદ સાથે કેટલાંક લોકોએ ભેગા મળીને ધ પિપલ્સ મોસ્કીટો રિસ્ટોરેશન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. બીજા વિશ્વયુધ્ધનાં વિમાનને ફરીવાર બનાવવા માટે અંદાજે ૮૦ લાખ પાઉન્ડનો ખર્ચ થાય તેમ છે. આ પ્રોજેક્ટમાં વિમાનને તૈયાર કરવામાં આશરે ૪ વર્ષ જેટલો સમય લાગે તેમ છે. આ રિસ્ટોરેશન પ્રોજેક્ટમાં, એરક્રાફ્ટનું રિસ્ટોરેશન કરનારી કંપની રિટ્રોટેક પણ કામ કરશે.
૧૯૪૧માં રોયલ એરફોર્સમાં 'મોસ્કીટો'નો પ્રથમવાર સમાવેશ થયો હતો. સિત્તેર વર્ષ બાદ હવે ફરીવાર બ્રિટનમાં 'મોસ્કીટો' પ્લેનનું પુનઃ સર્જન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ ખાનગી કંપની અને લોકો પાસેથી ડોનેશન એકઠું કરીને ફાઇટર પ્લેનને તે નવો જન્મ આપવામાં આવશે.૧૯૪૯માં નોરફોલ્કમાં 'મોસ્કીટો' પ્લેન તૂટી પડયું હતું. જેનાં અવશેષો પણ આ બાંધકામમાં વાપરવામાં આવશે. પ્રોજેક્ટ હાથમાં લેનાર સંસ્થા કહે છે કે ત્રણ જેટલાં 'મોસ્કીટો' પ્લેન હાલમાં અકબંધ હાલતમાં પ્રાચીન ચીજો નો સગ્રંહ કરનારા પાસે છે. બે પ્લેન અમેરિકામાં અને એક પ્લેન કેનેડા પાસે છે.દ હેવીલેન્ડ DH-૯૮ મોસ્કીટો FBVI જેવાં લાબાં લચક નામવાળા પ્લેન બીજા વિશ્વયુધ્ધમાં એક 'આયકન' બની ગયા હતા. એરોનોટીકલ એન્જીનીયરીંગનું એ સુંદર ઉદાહરણ ગણાય છે. પ્રોજેક્ટ કરનાર લોકોનો જીવનમંત્ર છે. એનું ઉડ્ડયન કરવું, એના વિશે શિક્ષિત કરવા અને એને હંમેશ માટે યાદ રાખવું. સાથે સાથે બીજા વિશ્વયુધ્ધમાં જે કોઈ એની સાથે સંકળાયેલા હતાં એ બધાને બિરદાવી એક અનોખી સલામી આપવી.
ઐતિહાસિક સર્જનનાં સર્જનહાર:
મોસ્કીટોનાં સર્જન પાછળ સર જ્યોફી દ હાવીલેન્ડ જવાબદાર હતો. દાદી પાસેથી મેળવેલાં નાણામાંથી તેમણે એરક્રાફ્ટ બનાવવાની અને ડિઝાઈન કરવાની શરૂઆત કરી હતી. સફળતા મળતા તેમણે દ હેવીલાન્ડ એરક્રાફ્ટ કંપની શરૂ કરી હતી. બીજા વિશ્વયુધ્ધમાં તેમણે ડિઝાઇન કરેલ 'મોસ્કીટો' પ્લેને તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતી અપાવી હતી. વિશ્વયુધ્ધ બાદ તેમણે 'કોસેટ' નામનું વિશ્વનું પ્રથમ કોમર્સીયલ જેટ એરલાઈનર તૈયાર કર્યું હતું. હાલમાં 'મોસ્કીટો'નાં ૩૦ જેટલાં એરક્રાફ્ટ વિશ્વમાં મૌજુદ છે જેમાંથી ઉડી શકે તેવી હાલતમાં માત્ર ત્રણ પ્લેન જ છે.ધ પિપલ્સ મોસ્કીટો પ્રોજેક્ટ હેઠળ વિશ્વમાં ફરી એકવાર 'મોસ્કીટો'નું બાંધકામ કરવામાં આવશે જેથી કારીગરોની આંગળીએથી ઇતિહાસનું ફરીવાર સર્જન થશે. પ્રોજેક્ટમાં મુખ્ય ડિઝાઈનર અને ચેરમેન તરીકે નામચીન જોહન લીલી છે. જે પ્રોજેક્ટ ડિરેકટર તરીકે સેવા આપશે. તેઓ હાલમાં ચીનમાં તેમની પોતાની કંપનીનો બિઝનેસ વિકસાવવાનું કામ કરે છે.તેમનો બીઝનેસ કૂક સર્વીસ પુરી પાડવાનો છે.
સમયસર, શીડયુલ પ્રમાણે કામ કરવું એ તેમની ખાસીયત રહી છે. ઇન્ટરનેટ અને સોશીયલ મીડીયાનાં માધ્યમથી પિપલ્સ મોસ્કીટો પ્રોજેક્ટ શરૂ થયો છે. આઈપેડ, બ્લેકબેરી, સ્કાઇપી અને ઇન્ટરનેટ કોમ્યુનિકેશનમાં કારણે તેમનાં પ્રોજેક્ટમાં લોકો જોડાતા થયા છે. IWM માટે એરક્રાફ્ટ રિસ્ટોરેશનનું કામ તેઓ છેલ્લાં દસ વર્ષથી કરી રહ્યાં છે.પ્રોજેક્ટની બીજી મહત્ત્વની કી-ફિગરનું નામ છે રોસ શાર્પ. તેઓ એક સારા બ્લોગર છે. એવીયેશન પ્રિઝરવેશન અને ક્યુરેશનનો તેમનો અનુભવ ઉપયોગી સાબીત થાય તેમ છે. તેઓ મ્યુઝીયમ અને આર્ટગેલેરી એવીએશનને લગતી ચીજવસ્તુઓની જાણવણી કરવાની સેવા આપે છે. નેશનલ મ્યુઝીયમ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં પણ મહત્ત્વનાં પદ પર તેઓ બિરાજમાન છે.અમેરિકન સ્ત્રી સાથે લગ્ન કરતાં તેઓની કારકિર્દી બદલાઈ ગઈ અને હાલ તેઓ માસાચ્યુસેટ ખાતે એવીએશન કન્સલટન્ટ ચલાવે છે. જેમાં વિન્ટેજ એરક્રાફ્ટનાં વિવિધ પાસા સંકળાયેલા છે. ચાર વર્ષ બાદ 'મોસ્કીટો'નું આધુનિક 'સર્જન' આકાશમાં ઉડશે ત્યારે જોહન લીલી અને રોસ શાર્પ ને લોકો સલામ મારશે. ઇતિહાસ તમારી આંખ સામે હશે !
No comments:
Post a Comment