Wednesday 29 April 2020

મીની બ્લેકહોલ: નવો અનોખો આવિષ્કાર...


Pub. Date : 10.11.2019
તાજેતરમાં એક અનોખી ઘટના બની છે. જેની નોંધ પુરતી લેવાઈ નથી. વૈજ્ઞાાનિકોએ મીનીબ્લેક હોલની શોધ કરી છે. આ વાત માત્ર થિયરી પુરતી સીમીત નથી. ખગોળ વૈજ્ઞાાનિકોએ પુરાવા સાથે સાબીત કરી છે. કહેવાનો મતલબ સાફ છે કે બ્રહ્માંડનાં નવાં નવાં રહસ્ય આપણી સામે આવી રહ્યાં છે. જે આપણી બ્રહ્માંડ વિશેની સમજ અને ભૌતિકશાસ્ત્રની થિયરીને બદલવા માટે મજબુર કરી રહ્યાં છે.
૧૯૨૭થી ભૌતિક શાસ્ત્ર અને ક્વૉન્ટસ મિકેનિક્સને સાંકળીને બ્રહ્માંડને લગતાં ભૌતિક શાસ્ત્રનાં નિયમોને એક યુગમાં બાધવાની કસરત અનેક ભૌતિકશાસ્ત્રે કરી રહ્યાં છે પરંતુ તેમને સફળતા મળી નથી. ક્વૉન્ટમ મિકેનિકલ દ્વારાં પેદા થયેલ 'ગેપ'ને સમજાવવા એક નવું પુસ્તક બજારમાં સપ્ટેમ્બર મહિનામાં આવ્યું છે. જેનું નામ 'સમથીંગ ડિપ્લી હિડન' એટલે કે કંઇક ઉંડાણમાં ન સમજાય તેવું છુપાયેલું છે. આખરે આ છુપાયેલ રહસ્ય શું છે ? મીની બ્લેક હોલ અને 'સમથીંગ ડિપ્લી હિડન'ની કોમ્બો સફર કરીએ...

બ્લેક હોલ એટલે...

વૈજ્ઞાાનિકોએ એવા બ્લેક હોલની શોધ કરી છે. જે આજ પહેલાં શોધાયો નથી. સામાન્ય રીતે ભૌતિકશાસ્ત્રનાં નિયમ મુજબ, તારાંનાં મૃત્યુ બાદ બ્લેક હોલનું સર્જન થાય છે. શરત માત્ર એટલી કે આવા તારાંનું કદ આપણા સૂર્યકરતાં પાંચગણું કે તેથી વધારે હોય ત્યારે જ તેમાંથી બ્લેક હોલનું સર્જન થઇ શકે. અત્યાર સુધી આપણા સુર્ય કરતાં પણ વધારે વિશાળ બ્લેક હોલ મળી આવ્યાં છે જેનું કદ સુર્યનાં કદ કરતાં પાંચથી ૨૦ ગણુ વધારે છે.
કેટલીક વાર યુગ્મ કે જોડીયા તારાંની સીસ્ટમનાં કારણે પણ બ્લેક હોલનું સર્જન થાય છે. બે તારાંમાંથી કોઈ એક તારાંનું 'ફ્યુઅલ' ખતમ થઇ જાય એટલે વિસ્ફોટ સાથે તે ફાટે છે. આ વિસ્ફોટ 'સુપરનોવા' વિસ્ફોટ તરીકે ઓળખાય છે. વિસ્ફોટ બાદ બે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તારાંનાં કેન્દ્ર ભાતમાં ખૂબ જ ઘનતાવાળા ન્યુટ્રોન સ્ટારની રચના થાય છે અથવા તેનાથી પણ વધારે ઘનતાવાળા બ્લેક હોલનું સર્જન થાય છે. તેની ઘનતા/ડેન્સીટી એટલી હોય છે કે તેમાંથી પ્રવાસનું કિરણ પણ પસાર થઇ શક્તું નથી.
બાયનરી સીસ્ટમવાળા સ્ટારમાં બ્લેક હોલ સર્જન થવાની શક્યતા વધારે હોવાથી વૈજ્ઞાાનિકોએ એક લાખ જેટલાં બાય નરી સ્ટાર સીસ્ટમ ચકાસી જોઈ. અને એક કિસ્સામાં નવાઈ પામવા જેવાં પરીણામ સામે આપ્યાં. તેમને એક મીની બ્લેક હોલ જોવા મળ્યો જેનો માસ સુર્ય કરતાં માત્ર ૩.૩૦ ગણો જ વધારે હતો. આ મીની બ્લેક હોલને સમજવાથી વૈજ્ઞાાનિકોને બ્લેક હોલની રચના કરનાર 'સુપરનોવા' વિસ્ફોટની અત્યાર સુધી સામે ન આવી હોય તેવી છુપાયેલી હકીકત અને માહિતી મળવાનાં ચાન્સ વધી જાય છે. આ ઘટના સમજાતી બ્રહ્માંડની ઉત્ક્રાંતિ પણ સમજી શકાશે.

ટોડ થોમસન: અનોખી સિધ્ધિ...

ટોડ થોમસન એક્સપરીમેન્ટલ એસ્ટ્રો-ફીજીસ્ટ છે. જેમણે ૨૦૦૨માં થિયોરેટીકલ એસ્ટ્રો ફીજીક્સમાં પીએચડી કરી છે. તેમનાં સંશોધનનો મુખ્ય વિષય છે. સુપર નોવા વિસ્ફોટ અને ન્યુટ્રોન સ્ટારનો જન્મ. તેઓ યુની ઓફ ઓહીયોનાં ખાસ પ્રોગ્રામ પર કામ કરી રહ્યાં છે. જેનું નામ છે. અપાચે પોઈન્ટ ઓબઝરવેટરી ગેલેક્ટીક ઈવોલ્યુશન એક્સપરીમેન્ટ. આ પ્રોગ્રામમાં તેમણે બ્રહ્માંડનાં એક લાખ તારાઓનાં પ્રવાસનાં ડેટાને એકઠો કરીને તેનું પૃથ્થકરણ કર્યું છે.
જો આવા તારાં કોઈ બ્લેક હોલની આસપાસ ફરતાં હોય તો તેનાં પ્રકાશનાં વર્ણપટ/સ્પેક્ટ્રામાં ફેરફાર જોવા મળે છે. બ્લેક હોલની સંભાવના ચકાસવા માટે ટોડ થોમસન અને ટીમે એક લાખ તારામાંથી ૨૦૦ તારાંઓને અલગ તારવ્યાં ટોડ જેની આસપાસ બ્લેક હોલ હોવાની સંભાવના વધારે હતી. ઓહીયો યુનિવર્સિટીનાં ૨૦ જેટલાં રોબોટીક ટેલીસ્કોપ વાપરીને તેઓ ઓલ સ્કાય ઓટોમેટીક સર્વે ફોર સુપર નોવા પ્રોગ્રામ ચલાવે છે.
સંશોધન અને અવલોકનમાં જોવા મળ્યું કે ર્વં ૫૨૧૫૬૫૮ નામનો વિશાળકાય રેડ જાયન્ટ/રક્ત દાનવ કોઈક બ્લેક હોલની ઓરબીટમાં ફરે છે. ડેટાનું પૃથ્થકરણ કરતાં બ્લેક હોલનો માસ સૂર્ય કરતાં માત્ર ૩.૩૦ ગણો જ વધારે હોવાનું સામે આવ્યું હતું. આ એક અનોખી ઘટના હતી. હજી સુધી કોઈએ આવો નાનો બ્લેક હોલ શોધ્યો નથી. વાત એ છે કે સૈધાંતીક રીતે પણ આવો નાનો બ્લેક હોલ હોઈ શકે તેવી ભૌતિક શાસ્ત્રીઓએ આશા પણ રાખી નથી. કે તેનાં વિશે કોઈ થિયરી પણ વિજ્ઞાાન પાસે નથી.
પ્રો. થોમસન કહે છે કે અમારુ કામ આવનારી પેઢીને બ્લેક હોલને નવી નજરે જોતાં શીખવશે. પ્રો. થોમસન સરખામણી કરતાં કહે છે કે અન્ય બ્લેક હોલ સાથે મીની બ્લેક હોલની સરખામણી કરવી હોય તો, ખગોળશાસ્ત્રીઓએ અંતરીક્ષમાં માત્ર ૫ ફૂટ નવ ઇંચના માનવીની શોધ કરવાનું કામ કર્યું છે. ત્રણ ફૂટનાં વામન મનુષ્ય શોધવાનું કામ તેમણે કર્યું જ નથી.

વિસ્તરતી ક્ષિતિજો...

ભૌતિક શાસ્ત્રની સાદી સમજ પ્રમાણે વૈજ્ઞાાનિકો માનતા હતાં કે બ્લેક હોલનો માસ/દ્રવ્ય સામાન્ય રીતે સુર્યનાં દ્રવ્ય/પદાર્થ/માસ કરતાં પાંચ ગણુ કે તેથી વધારે મહત્તમ ૧૬ ગણું હોઈ શકે. જો કે ૨૦૧૭માં લીગો નામની વેધશાળાએ અનોખી ઘટના નોંધી હતી. તેમણે બે વિશાળકાય બ્લેક હોલ એક નો માસ સુર્યથી ૩૧ ગણો અને બીજાનો માસ / સુર્યથી ૨૫ ગણો વધારે હતો.
વિજ્ઞાન જગત આશ્ચર્યથી "WOW" બોલી ઉઠયું હતું. આ બ્લેક હોલને એક બીજામાં સમાઈ જતાં 'લીગો' વેધશાળાનાં વૈજ્ઞાાનિકો જોયા હતાં. ઘટના ખુબ જ મહત્ત્વની હતી. આ ઘટના દ્વારા 'લીગો'ના વૈજ્ઞાાનિકોએ ગુરૂત્વાકર્ષણ માટે જવાબદાર 'ગ્રેવીટી વેવ્ઝ' પકડી પાડયાની જાહેરાત કરી હતી. તેમની અનોખી સિધ્ધી માટે ત્યાર બાદ તેમને 'નોબેલ' પ્રાઈઝ પણ આપવામાં આવ્યું હતું.
યાદ રહે કે સુર્યથી ૩૧ થી ૨૫ ગણા વધારે માસ વાળા બ્લેક હોલ એક અનોખી ઘટના છે તો તાજેતરમાં માત્ર ૩.૩૦ ગણા વધારે માસ ધરાવતા તારાં  JO ૫૨૧૫૬૫૮ નો મીની બ્લેક હોલ પણ વિશીષ્ટ ઘટના છે. જેમણે ભૌતિકશાસ્ત્રીઓની બ્રહ્માંડ અને બ્લેક હોલને જોવાની નજર બદલી નાખી છે.બ્રહ્માંડમાં ન્યુટ્રોન સ્ટાર જોવા મળે છે તેનો માસ સુર્ય કરતાં વધારેમાં વધારે ૨.૧૦ ગણો વધારે જોવા મળ્યો છે. જો ન્યુટ્રોન સ્ટારનો માસ સુર્ય કરતાં ૨.૫૦ ગણો વધારે પહોંચે તો, તે પોતે ધ્વંસ પામીને નાનો બ્લેક હોલ સર્જી શકે છે. આમ ન્યુટ્રોન સ્ટાર અને બ્લેક હોલ વચ્ચેનો માસ 'ગેપ' એક અનોખું રહસ્ય હતું. જે તે બ્રહ્માંડમાં વાસ્તવિક રીતે નિહાળી શકાયું ન હતું. તાજેતરનાં મીની બ્લેક હોલ એક આંખો ખોલી નવંક બ્રહ્માંડ બતાવે છે.

આગામી પડાવ: મલ્ટીવર્સ...

એક સદી પહેલાં વૈજ્ઞાાનિકો એવું માનવા લાગ્યા હતાં કે ભૌતિક શાસ્ત્રની સીમા રેખા સુધી માનવી પહોંચી ગયો છે. હવે નવું કંઈ જ શોધવાનું બાકી રહેતું નથી. આમ છતાં વૈજ્ઞાાનિકોએ બ્લેક હોલ, ક્વૉન્ટમ મિકેનીક્સ, ગ્રેવીટી વેવ્ઝ અને અનેક સુક્ષ્મ કણો ઉપરાંત 'હિગ્સ બોસોન'ની શોધ કરી બતાવી છે.આ ભુતકાળ કહે છે કે ભૌતિક શાસ્ત્રની સીમા રેખા હજી આવી નથી. વૈજ્ઞાાનિકોએ બ્રહ્માંડનાં અનેક રહસ્યો હજી સમજવાના બાકી છે. એવું જ એક રહસ્ય છે મલ્ટીવર્સ એટલે કે એવી દુનિયા જ્યાં આપણા બ્રહ્માંડ જેવું એક નહી અનેક બ્રહ્માંડ છે. આપણા 'વેદ' પણ આ વાતની સાબીતી શ્લોકો દ્વારા આપે છે.
તાજેતરમાં સીન કેરોલ નામનાં ભૌતિક શાસ્ત્રીએ 'મલ્ટી વર્સ'ને લગતો એક કાર્યક્રમ NBC પર આપ્યો હતો. તેઓ ખ્યાતનામ 'કેલટેક'નાં ભૌતિક શાસ્ત્રી છે અને 'સમથીંગ ડિપ્લી હિડન' નામનું લેટેસ્ટ પુસ્તક લખ્યું છે. જે ન્યુયોર્ક ટાઈમ્સનાં બેસ્ટ સેલર પુસ્તકોની યાદીમાં આવી ગયું છે. તેઓ (સીન કેરોલ) કહે છે કે ''આપણે માત્ર એક જ પ્રકારનાં ભૌતિકશાસ્ત્રનાં નિયમો જાણીએ છીએ.'' એક કરતાં વધારે બ્રહ્માંડ અથવા અનંત બ્રહ્માંડ હોઈ શકે ખરા? આપણે જાણતા નથી.
તમે કોઈ પદાર્થ જુઓ છો ત્યારે તેનાં પરમાણુંમાં રહેલ ઈલેક્ટ્રોનનું કોઈ સ્થાયી લોકેશન હોતું નથી. આપણે જન્મથી મૃત્યુ અને વધારેમાં વધારે પુન:જન્મ સુધી કલ્પના દોડાવીએ છીએ. અનેક બ્રહ્માંડમાં આપણા જ નવા અવતાર અલગ અલગ રીતે વર્તતા હશે એવી આપણે કલ્પના પણ કરી શકતા નથી. આપણે માનીએ છીેએ કે 'હું' એક માત્ર છું. મારા જેવો બીજો કોઈ ન હોઈ શકે.માર્ટીન રીસ જેવા ખ્યાતનામ ખગોળશાસ્ત્રી કહે છે કે ભૌતિક શાસ્ત્રનો નવો 'બ્રેક થુ્ર' આવિષ્કાર હશે 'મલ્ટી વર્સ' એટલે કે સ્પેસ-ટાઈમનાં આપણા જ બ્રહ્માંડમાં કોઈ નવું બ્રહ્માંડ જોવા મળશે?


No comments: