Wednesday 29 April 2020

નાઝકા લાઇન્સ રહસ્ય ઉકેલાશે ખરૂં ?


પેરૂના રણપ્રદેશ અને ખડકાળ જમીન પર થયેલ ભૂમિ ચિત્રો..

Pub Date: 30-06-2016
૨૦૧૪માં ગ્રીનપીસ સંસ્થાને લાગ્યું કે યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઉપર જોખમ ઉભું થયું છે આ સાઇટને બચાવવા માટે ખાસ પ્રોજેક્ટ શરૂ કરવાની જરૂર છે. આ જરૂરિયાતના પગલે વૈજ્ઞાનિકો અને પુરાતત્ત્વવિદોની ટીમ 'ડ્રોન' વિમાન દ્વારા તપાસ કરી રહ્યા હતા. ડ્રોન વિમાન દક્ષિણ પેરુ પાસે આવેલા 'લીસા' શહેરથી દૂર ઉડી રહ્યું હતું. પાલ્યા વિસ્તાર ઉપર ઉડી રહેલ ડ્રોન વિમાન અને વૈજ્ઞાનિકોની ટીમના વિમાને જોયું કે તેમની નજર સામે ૫૦ જેટલા નવા 'જીઓ-ગ્લીવૂસ' જોવા મળી રહ્યા છે. જેને આ પહેલા કોઈએ જોયા ન હતા. સમય હતો મે- ૨૦૧૮નો બીજા દિવસે મિડીયામાં જાહેર કરવામાં આવ્યું કે પાલ્પા વિસ્તારમાંથી ૫૦ કરતા વધારે જમીન પર ખોતરેલા ચિત્રો જોવા મળ્યા છે વિજ્ઞાન જગત આ ચિત્રોને 'નાઝકા લાઇન' તરીકે ઓળખે છે. આખરે જમીન અને ખડક પર કોતરાયેલા 'નાઝકા' લાઇનનું રહસ્ય શું છે ?

ઇતિહાસની અટારીએથી:

૨૦૧૮માં ડ્રોન વિમાન દ્વારા શોધાયેલ જીઓગ્લીફ્સ (ભૂમિ ચિત્ર)ની રેખાઓ આકાશમાંથી નરી આંખે ન દેખી શકાય તેટલી પાતળી હતી. જો કે આજથી લગભગ સો વર્ષ પહેલાં લોકો સમક્ષ પ્રથમવાર નજરે પડેલ 'નાઝકા લાઇન' નરી આંખે આકાશમાંથી જોઈ શકાય તેવા ચિત્રો છે. આખરે આ ચિત્રો કોણે દોર્યા હતા ? ચિત્ર દોરવા પાછળનો તેમનો મકસદ શો હતો ? આ બધા સવાલોના જવાબ ઇતિહાસ આપી શકતું નથી વિજ્ઞાન પણ આર્કિયોલોજીના નાઝકા ક્ષેત્રમાં પા પા પગલી ભરી રહ્યું છે. આ કારણે 'નાઝકા લાઇન' ઇતિહાસ અને વિજ્ઞાન બંને ક્ષેત્ર માટે એક મોટું રહસ્ય બની ચૂકી છે. વૈજ્ઞાનિકો માને છે કે 'નાઝકા લાઇન'નું રહસ્ય ટૂંક સમયમાં ખૂલી શકે છે. વૈજ્ઞાનિકો રહસ્યની વધારે નજીક પહોંચી ચૂક્યા છે. નાઝકા લાઇનનું રહસ્ય ખૂલે એ પહેલાં નાઝકા લાઇનની ઐતિહાસિક સફર માણીએ.
ઇ.સ. પૂર્વે ૧૦૦ની આસપાસ બ્રાઝિલ અને બોલીવીઆની સરહદે આવેલ પેરુ દેશમાં નાઝકા સભ્યતાનો વિકાસ થઈ ચૂક્યો હતો. આ સમયે ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય લગભગ ખતમ થઈ ચૂક્યું હતું. ભારતની સમૃદ્ધિ મેળવવા મધ્ય એશિયામાંથી વેક્ટ્રીબન, પર્શીઅન અને શક- કુષાણના આક્રમણ ભારત પર થઈ રહ્યા હતા. દક્ષિણ ભારતમાં ચૌલ, ચેર અને પાંડય રાજ પરિવાર શાસન કરી રહ્યો હતો. ભારતમાં અજંતા અને ઇલોરાની ખ્યાતનામ બૌદ્ધ ગુફાઓ કોતરવાનું કામ ચાલી રહ્યું હતું. બરાબર આ સમયે પેરુની નાઝકા સભ્યતા, પૃથ્વી પરની જમીન સપાટી પર પ્રથમવાર નાઝકા લાઇન દોરી રહ્યા હતા. વરસાદના રાજા ઇન્દ્રને મનાવવા માટેની આ પ્રક્રિયા હતી. ધાર્મિક વિધિના ભાગરૂપે 'નાઝકા લાઇન'નું સર્જન થઈ રહ્યું હતું. નાઝકા લાઇન ખરેખર શું છે ? તે ચિતરવા પાછળનો નાઝકા સભ્યતાના લોકોનો મકસદ શું હતો ?

નાઝકા લાઇન: રહસ્ય અકબંધ છે !

પેરૂના વિસ્તારમાં ઇ.સ. પૂર્વે ૧૦૦ની આસપાસ નાઝકા સભ્યતાનો વિકાસ થઈ રહ્યો હતો. આ સભ્યતા આઠ સદી એટલે કે એકસો વર્ષના સમયકાળ સુધી પૃથ્વી અને ઇતિહાસના પાનાઓ ઉપર ટકવાની હતી. પૃથ્વીવાસીઓ માટે તેઓ જમીન અને પત્થર કોતરેલા અનોખા ચિત્રો આપી જવાના હતા. બે હજાર વર્ષ બાદ યુનેસ્કો તેને વર્લ્ડ હેરીટેજ સાઇટ તરીકે જાહેર થવાની હતી. આખરે બન્યું પણ એવું જ નાઝકા સભ્યતાના લોકોએ અનોખા 'જીઓ-ગ્લીફ્ટ' ચિતર્યા જે આજે નેવુ વર્ષ બાદ પણ એક રહસ્ય બની રહ્યા છે. કેટલાક લોકો માને છે કે આ 'ચિત્રો' પરગ્રહવાસીઓએ પોતાની ઓળખ આપવાની 'સિગ્નેચર' સ્વરૂપે ચિતર્યા હતા.પેરૂના પાટનગર લીસા શહેરથી દૂર દક્ષિણ પૂર્વના વિસ્તારમાં આ ચિત્રો દોરાયેલા છે. લીસાથી ૩૦૦ કિ.મી. જેટલા દૂર છે.
આધુનિક 'નાસ્કા' શહેરની નજીક આવેલા છે. ચિત્રોમાં કુલ ૮૦૦ કરતા વધારે સીધી લાઇનો ૩૦૦ કરતા વધારે ભૌમિતિક આકાર અને ૭૦ કરતા વધારે પ્રાણી અને વૃક્ષો છોડની ડિઝાઇનો બનેલી છે જેને 'બાયો મોર્કસ' તરીકે પણ ઓળખાય છે. કેટલીક સીધી રેખાઓ ૩૨૫ કિ.મી. જેટલી લાંબી છે. બાયો માર્કસ એટલે કે 'પ્રાણી વનસ્પતિ' જેવી જૈવિક અસ્તિત્વના ચિત્રો ૫૦ ફૂટથી માંડીને ૧૨૦૦ ફૂટ લંબાઈમાં ચિતરાયેલા છે. જે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ કરતા પણ વધારે લાંબા હતા.૧૯૨૬માં પ્રથમવાર પેરૂવિઅન આર્કીયોલોજીસ્ટ ટોરીબીયો મેજીઆ એક્સપે નાઝકા ચિત્રનો પદ્ધતિસરનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે વિમાનની શોધ થઈ ચૂકી હતી પરંતુ 'નાઝકા લાઇન' દ્વારા બનેલા ચિત્રનો પૂરો આકાર જોવા માટે વિમાન દ્વારા 'ભૂમિ દર્શન' કરવું શક્ય ન બન્યું હતું. ૧૯૩૦ના અંતિમ સમય ગાળામાં ત્યાંથી ઉડતા વ્યાપારી વિમાનોના પાયલોટોએ નાઝકા લાઇન દ્વારા દોરાયેલા ચિત્રોની વાત લોકોમાં વહેતી મૂકી. આખરે 'નાઝકા લાઇન' લોકો અને મિડીયાના આકર્ષણનું કેન્દ્ર બનવા લાગી અને વિજ્ઞાન માટે એક નવું રહસ્ય ખોલવાનો પટારો મળી ગયો હતો.

જાપાની વૈજ્ઞાનિકોનું તારણ

૨૦ જુન ૨૦૧૯ની જર્નલ ઓફ આર્કાઓલોજીકલ સાયન્સ: રીપોર્ટમાં એક સંશોધન લેખ પ્રકાશીત થયો છે જેનું નામ છે આઈડેન્ટીફાઈંડ બર્ડ ફિગર્સ ઓફ નાસ્કા પામ્પાસ: એન ઓર્નીથોલોજીકલ પરસ્પેક્ટીવ. સંશોધન લેખ જાપાનની ડોકાઈડો યુનિવર્સિટીનાં નાસાકી એડા, ગકેશી યામાસાકી અને માસાટો સાકાઈ નામના વૈજ્ઞાનિકોએ આ લેખ પ્રકાશીત કરાવ્યો છે. વિશાળ ચિત્રોમાં રહેલાં પક્ષીઓની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવાનું કામ જાપાની વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું હતું.
તેમનું માનવું છે કે ભુમિચિત્રો આજથી ૧૩૦૦ વર્ષ પૂર્વેથી ૨૯૦૦ વર્ષ પૂર્વે દોરાએલા છે. જે પેરૂનાં ખ્યાતનામ ઈન્કા રાજ્યના સ્થળ માચું પિચુંના સ્થાપના કરતા પહેલાં રચાયેલા છે.હવે મુખ્ય સવાલ એ છે કે હમીંગબર્ડ જેવું દેખાતું ભુમીચિત્ર ૧૨૦૦ ફૂટ એટલે કે ૩૭૦ મીટર જેટલું લાંબું છે. તેમણે દોરેલ ચિત્રનો ખરો આકાર અને કદ માત્ર આકાશમાંથી જ જોઈ શકાય તેમ હતું. શું નાઝકા સભ્યતાના લોકોએ વિમાન જેવી કોઈ શોધ કરી હતી? જો આવી શોધ કરી નહોતી, એમ માની લઈએ તો એનો અર્થ એ થાય કે નાઝકા લોકો ચિત્ર દોરી રહ્યા હતાં ત્યારે તેમને પણ અંદાજ નહોતો કે પૂર્ણ થયેલ ચિત્ર કેવું દેખાતું હશે. કારણ કે વિશાળ ચિત્રને યોગ્ય પરીપ્રેક્ષ્યમાં જોવા માટે આકાશમાં જવું જરૂરી હતું! જાપાની વૈજ્ઞાનિકોનું માનવું હતું કે પક્ષીઓનાં ચિત્રોમાં ખરેખર કયાં પક્ષીઓનાં ચિત્રો દોરવામાં આવ્યા છે. તેની ઓળખ પ્રસ્થાપિત થઈ જાય તો કદાચ, ચિત્રો દોરવા પાછળનો મકસદ અને ધાર્મિક વિધીઓ માટે આ પક્ષીનું મહત્ત્વ સમજાઈ શકે અને તેનું મુલ્યાંકન થઈ શકે.જાપાની વૈજ્ઞાનિકોએ ચિત્રોમાં રહેલા પક્ષીઓની ઓળખ, ચિત્રોમાં રહેલ તેમનો આકાર, કદ અને કદનાં ગુણોત્તરને ધ્યાનમાં લઈને પ્રસ્થાપિત કરે છે જે દર્શાવે છે કે મુખ્ય ચિત્રમાં દેખાતું પક્ષી 'હમીંગ બર્ડ' નહી પરંતુ હમીંગ બર્ડના ફેમિલીનું અન્ય પક્ષી 'હરમીટ' છે. જે તેની લાંબી અણીદાર પુંછડી માટે પ્રખ્યાત છે. જ્યારે આપ હમીંગ બર્ડ ફેમીલીના પક્ષીની પુંછડી પંખા આકાર કે ચિપીયા આકારની હોય છે. વૈજ્ઞાનિકોએ આમ પક્ષીઓને ઓળખીને તેનું રિ-ક્લાસીફીકેશન કર્યું છે. અન્ય ચિત્રોમાં કોન્ડોર નામનું ગીધ અને પેણ એટલે કે પેલીકન પક્ષી છે. સંશોધનની મુખ્ય બાબત એ છે કે ચિત્રોમાં દર્શાવેલા પક્ષીઓ પેરૂના સ્થાનિક પક્ષી નહી પરંતુ ઉત્તર તરફ આવેલ ઈક્વેડોર અને એન્ડીઝ પર્વતનાં જંગલોમાં રહેતા પક્ષી છે.

સવાલો હજી પણ બાકી છે

નાઝકા લોકોએ ખોરાકની શોધમાં રઝળપાટ કરતી વખતે પેલીકન હમીંગ બર્ડ અને કોન્ડોર નામનાં ગીધ પક્ષીઓને નિહાળ્યા હશે. નાઝકા લોકોએ સ્થાનિક પક્ષીની જગ્યાએ શા માટે પરદેશી ભુમીનાં પક્ષીઓને પોતાનાં ભુમિચિત્રોમાં સ્થાન આપ્યું હશે એ પણ રહસ્યમય સવાલ છે. ભુમિચિત્રોમાં સુરખાબ (ફ્લેમિંગો) પણ સામેલ છે. વૈજ્ઞાનિકો માટે એક સમસ્યા એ પણ છે કે ચિત્રોમાં દોરેલ પક્ષીઓ, હાલનાં આધુનિક પેરૂવિઅન પક્ષીઓ સાથે મેળ બેસાડતા નથી. આ કારણે 'નાઝકા લાઈન'ની આધુનિક પેરૂ સાથે સરખામણી કરવા માટે ભુમિચિત્રોનું પુનઃ નવીન મુલ્યાંકન કરવું જરૂરી છે.
વૈજ્ઞાનિકો 'નાઝકા લાઈન' વડે બનેલ ભુમીચિત્રોમાં રહેલ પક્ષીઓને, આ સભ્યતાના ખોદકામ દરમ્યાન મળેલ માટીનાં વાસણો ઉપર ચિતરવામાં આવેલ પક્ષીઓ સાથે પણ સરખામણી જરૂર દેખાઈ રહી છે. આ ઉપરાંત નાઝકા સભ્યતાની શોધ માટે કરવામાં આવેલ ખોદકામ દરમ્યાન મળેલાં પક્ષીઓનાં હાડપીંજર સાથે પણ ચિત્રોની સરખામણી કરવી જરૂરી છે. ટુંકમાં નાઝકા લાઈનોનું ખરૂ રહસ્ય ઉકેલવું હોય તો વધારે સંશોધન કરવું જરૂરી છે.એક વાત નક્કી છે કે નાઝકા ચિત્રોને પ્રાચીન સભ્યતા સાથે ગાઢ સંબંધ છે. માત્ર ગુણ ચિત્રોની જેમ દોરેલા પ્રાણી, પક્ષીઓ કે વૃક્ષો એ સ્થાનિક કલાપ્રદર્શન નથી. ચિત્રો દોરવા પાછળનો 'નાઝકા' લોકોનો ખાસ મકસદ હોવો જોઈએ. ઈતિહાસકારો માને છે એમ નાઝકા સભ્યતાનાં ચિત્રો, નાઝકા સભ્યતા સાથે પ્રાણી-પક્ષીઓનાં સબંધોની ગહનતા દર્શાવે છે. ભુમિચિત્રો બે વિભાગી શકાય તેવા છે. એક ભાગમાં ૭૦ જેટલી કુદરતી રચના જેવાં કે પ્રાણી, પક્ષી અને જીવજંતુ દોરવામાં આવ્યા છે. બીજા ભાગમાં ભૌમિતિક આકારમાં ચિત્રો છે. જેમાં સ્પાયરલ, ત્રિકોણ અને ચોરસ-લંબચોરસ આકૃતિનો સમાવેશ થાય છે.

No comments: